‘માત્ર કેપ્ટન છે એટલે રમે છે…’, રિયાન પરાગ પર પૂર્વ ભારતીય ક્રિકેટરનો ભયંકર ગુસ્સો, આપ્યું આશ્ચર્યજનક નિવેદન
આઈપીએલ 2026 (IPL 2026) માં રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ ભલે પોઈન્ટ ટેબલમાં શિખર પર બિરાજમાન હોય, પરંતુ ટીમના નવા સુકાની રિયાન પરાગ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. સંજુ સેમસન બાદ રાજસ્થાનની કમાન સંભાળનાર પરાગના નેતૃત્વમાં ટીમે જીતનો સિલસિલો તો જાળવી રાખ્યો છે, પરંતુ બેટિંગમાં તેમનું સતત નિષ્ફળ જવું હવે ટીકાકારો માટે મોટું હથિયાર બની ગયું છે. તાજેતરમાં પૂર્વ ભારતીય ઓપનર અને પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ કે. શ્રીકાંતે રિયાન પરાગની આકરી ટીકા કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
કેપ્ટનશીપના જોરે ટીમમાં સ્થાન?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં રાજસ્થાનની જીત છતાં રિયાન પરાગના પ્રદર્શનને લઈને સવાલો ઉભા થયા છે. આ મેચમાં પરાગ માત્ર 3 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. તેમની આ ફ્લોપ બેટિંગ પર ગુસ્સે ભરાયેલા કે. શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શ્રીકાંતે સીધું જ કહી દીધું કે, “રિયાન પરાગ આજે ટીમમાં માત્ર એટલા માટે રમે છે કારણ કે તે ટીમનો કેપ્ટન છે.”
શ્રીકાંતના મતે, પરાગ પાસે ફોર્મમાં પાછા ફરવાની સુવર્ણ તક હતી, પરંતુ તેણે બિનજવાબદારીભર્યો શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી. શ્રીકાંતે ઉમેર્યું કે, પરાગ ‘સ્ટાઈલ’ બતાવવાના ચક્કરમાં પોતાની જવાબદારી ભૂલી જાય છે. ઘણા સીઝન રમ્યા હોવા છતાં તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી.
અહંકાર નડ્યો કે બેજવાબદારી?
RCB સામેની મેચમાં જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરીને પાયો નાખ્યો હતો, ત્યારે પરાગ પાસે પૂરતો સમય હતો કે તે પીચ પર ટકીને લાંબી ઈનિંગ રમે. જોકે, જોશ હેઝલવુડના બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં તે કેચ આઉટ થયો હતો. શ્રીકાંતે આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું, “તે અહંકારના કારણે આઉટ થયો છે. જ્યારે ટીમ સારી સ્થિતિમાં હોય, ત્યારે કેપ્ટન તરીકે તમારે રમત પૂરી કરવાની હોય છે, નહીં કે હવામાં શોટ રમીને આઉટ થવાનું. પરાગે જવાબદારી સમજવી જોઈતી હતી.”
વૈભવ સૂર્યવંશી: ભારતીય ક્રિકેટનો નવો ઉભરતો સિતારો
શ્રીકાંતે પરાગની ટીકા કરી હતી, તો બીજી તરફ, તેમણે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી હતી. વૈભવે RCBના અનુભવી બોલરો સામે માત્ર 26 બોલમાં 78 રનની આક્રમક ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા. વૈભવની બેટિંગ જોઈને શ્રીકાંતે ભારતીય પસંદગીકારોને પણ મોટી અપીલ કરી છે.
View this post on Instagram
શ્રીકાંતે કહ્યું, “હું સિલેક્ટર્સને વિનંતી કરું છું કે વૈભવ સૂર્યવંશીને વિલંબ કર્યા વગર ભારતીય T20 ટીમમાં સામેલ કરવામાં આવે. તેને આગામી સીરીઝમાં જ તક મળવી જોઈએ. તે એક એવો ખેલાડી છે જે એકલા હાથે તમને 15 માંથી 8 મેચ જીતાડી શકે છે.” શ્રીકાંતે એમ પણ સૂચન કર્યું કે આ યુવા ખેલાડીને ટીમમાં લઈને તેને 15 મેચ સુધી બહાર ન કરવાની ખાતરી આપવી જોઈએ જેથી તે નિર્ભય થઈને રમી શકે.
View this post on Instagram
રાજસ્થાન રોયલ્સ માટે ચિંતાનો વિષય
ભલે રાજસ્થાન રોયલ્સ હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી, પરંતુ મધ્યક્રમમાં કેપ્ટનનું ફોર્મમાં ન હોવું એ લાંબી ટુર્નામેન્ટ માટે જોખમી સાબિત થઈ શકે છે. રિયાન પરાગ હંમેશા સોશિયલ મીડિયા પર અને મેદાન પર પોતાના વલણને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ અત્યારે સમય છે કે તે પોતાના બેટથી બોલે. જો પરાગ આગામી મેચોમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહેશે, તો કેપ્ટન તરીકે તેના પરનું દબાણ સતત વધતું રહેશે.
