ફ્રાન્સમાં એલોન મસ્ક પર ભીંસ, પોલીસના કટાક્ષે વિવાદ વધાર્યો
ટેક અબજોપતિ એલોન મસ્ક ફરી એકવાર યુરોપમાં વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. ફ્રાન્સમાં તેમની સોશિયલ મીડિયા કંપની X ની પેરિસ સ્થિત ઓફિસો પર પોલીસ કાર્યવાહી બાદ મસ્કે તેને રાજકીય વેરની ભાવનાથી કરાયેલી કાર્યવાહી ગણાવી હતી. આ આરોપ પર ફ્રાન્સના અધિકારીઓએ આકરો પલટવાર કરતા કહ્યું કે, ફ્રાન્સ કોઈ એવો ખાનગી ટાપુ નથી જ્યાં કાયદો લાગુ ન પડતો હોય.
ફ્રાન્સના વહીવટીતંત્રની આ ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે અને ‘મસ્ક વિરુદ્ધ ફ્રાન્સ’ની ચર્ચા તેજ બની છે. અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બાળકો સાથે જોડાયેલા જાતીય શોષણ જેવા ગંભીર મામલાની તપાસને રાજકારણ સાથે જોડવી એ ગેરજવાબદાર વર્તન છે.
એપસ્ટીન કનેક્શનની પૃષ્ઠભૂમિમાં નિવેદન
ફ્રાન્સ પોલીસના આ નિવેદનને જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા જૂના વિવાદોના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે. એપસ્ટીન ફાઇલ્સમાં સામે આવેલા ઈમેઈલ્સમાં એલોન મસ્ક અને એપસ્ટીન વચ્ચે ખાનગી ટાપુ (પ્રાઈવેટ આઈલેન્ડ) અંગેની વાતચીતનો ઉલ્લેખ મળ્યો હતો. જોકે, મસ્ક પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેમણે ક્યારેય એપસ્ટીનના કથિત ખાનગી ટાપુની મુલાકાત લીધી નથી.
X ની પેરિસ ઓફિસો પર કેમ થઈ કાર્યવાહી?
રોઇટર્સના અહેવાલ મુજબ, આ કાર્યવાહી પેરિસ પ્રોસીક્યુટર ઓફિસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા કરવામાં આવી રહેલી એક લાંબી તપાસનો ભાગ છે. આ તપાસ જાન્યુઆરી 2025 માં શરૂ થઈ હતી, જેમાં X પર તેના અલ્ગોરિધમ અને ડેટા સિસ્ટમના દુરુપયોગ તેમજ ગેરકાયદેસર ડેટા એક્સટ્રેક્શનના આરોપો લાગ્યા છે. ફ્રેન્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તપાસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ફ્રાન્સનું સાયબર યુનિટ અને યુરોપિયન એજન્સી યુરોપોલ પણ સામેલ છે.
તપાસમાં કયા-કયા આરોપો સામેલ છે?
એસોસિએટેડ પ્રેસ (AP) ના અહેવાલ મુજબ, વર્તમાન તપાસમાં અનેક ગંભીર મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં શામેલ છે:
- સગીરોને લગતી વાંધાજનક સામગ્રીનો કથિત પ્રસાર.
- જાતીય રીતે સંવેદનશીલ ડીપફેક કન્ટેન્ટ.
- ‘હોલોકોસ્ટ’ (યહૂદી નરસંહાર) નો ઇનકાર કરતા ગુનાહિત કન્ટેન્ટ.
- અલ્ગોરિધમ દ્વારા ડેટા સિસ્ટમમાં છેડછાડ.
ફ્રેન્ચ પ્રોસીક્યુટરોએ એલોન મસ્ક અને X ના ભૂતપૂર્વ CEO લિન્ડા યાકારિનોને એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત કંપનીના અનેક કર્મચારીઓને પણ સાક્ષી તરીકે સમન્સ મોકલવામાં આવ્યા છે.
Grok ચેટબોટથી વધી કંપનીની મુશ્કેલીઓ
X ની મુશ્કેલીઓ ત્યારે વધુ વધી જ્યારે તેના AI ચેટબોટ Grok પર ગંભીર આરોપો લાગ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે Grok એ હોલોકોસ્ટનો ઇનકાર કરતા સંદેશા પોસ્ટ કર્યા અને પરવાનગી વગર સેક્સ્યુઅલ ડીપફેક તસવીરો તૈયાર કરી. બાદમાં Grok દ્વારા આ પોસ્ટ્સ હટાવીને જાહેરમાં માફી માંગવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં યુરોપિયન નિયમનકારો સક્રિય થઈ ચૂક્યા હતા.

