ગાંધીનગર, સ્કિલ ઈન્ડીયાની વાતો કરતી રાજ્ય સરકાર, યુવાનોને સ્કિલ અપાવવામાં જ ઉણી ઉતરી રહી છે. કહેવત છે કે, કુવામાં હોય તો હવાડામાં આવે. ઉક્તિને આઈ.ટી.આઈ. સાથે જોડવામાં આવે તો, પુરતા કર્મચારીઓ હોય તો, વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ સુદ્રઢ રીતે પામી શકે.
વિધાનસભા સત્ર દરમ્યાન શ્રમ અને રોજગાર મંત્રીને પુછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી મળી. જે મુજબ વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં આચાર્ય, સુપરવાઈઝર, ઈન્સટ્રક્ટર, સ્ટોર કિપર, ક્લાર્ક, ફોરમેન જેવી 40% જેટલી જગ્યાઓ ખાલી છે. મંજુર થયેલી કુલ 9893 જગ્યાઓની સામે 3907 જગ્યાઓ ખાલી છે.
કારકુનો જ નહીં, આચાર્ય અને પ્રશિક્ષકોની પણ કેટલીય જગ્યાઓ ખાલી છે. સ્વાભાવિક છે કે, ઘટતા મહેકમ સાથે વિદ્યાર્થીઓ ઘટતું જ પ્રશિક્ષણ પામી શકે છે. સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ ઈન્ડીયા જેવા નામો સાથે રાજકીય રોટલા શેકતી સરકાર સ્કિલની નવી યોજનાઓ તો લાવી રહી છે, પણ સામે યોજનાઓ ફળિભુત કરવા અસક્ષમ દેખાઈ રહી છે. હજ્જારોના ખાલી મહેકમની સામે વિવિધ યોજના પાછળ પ્રચાર-પ્રસાર કરતી રાજ્ય સરકાર ફક્ત આકર્ષક યોજનાઓનો પ્રચાર કરે છે. જેની સામે યોજનાઓનો ખરા અર્થમાં લાભ મળી શકે તે માટે પુરતો સ્ટાફ ના હોવાને કારણે અસક્ષમ સાબિત થઈ રહી છે.