અંધશ્રદ્ધા દૂર કરવા ઠાકોર સમાજને ગેનીબેન ઠાકોરનું આહવાન
થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજમાં ચાલતાં જૂના કુરિવાજો અને અંધશ્રદ્ધા સામે કડક સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ પ્રથાઓ સમાજના વિકાસને રોકે છે અને હવે સમય આવી ગયો છે કે તેનો અંત લાવવામાં આવે. ખાસ કરીને દીકરીઓને દશામાંનું વ્રત ન કરવા તેમણે આગ્રહપૂર્વક અપીલ કરી.
દશામાંની ખોટી માન્યતાઓ ન અપનાવવા દીકરીઓને વિનંતી
ગેનીબેન ઠાકોરે કાર્યક્રમમાં આગળ કહ્યું કે દશામાંને લઈને લોકો અનાવશ્યક ડર અને વહેમમાં જીવતા રહે છે. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું કે જો કોઇને દશામાં નડે તો તેને મારી પાસે મોકલો, હું એકલી ફરું છું, દશામાં મારી સાથે ફરશે. આ રીતે તેમણે દશામાં જેવી અંધશ્રદ્ધાને હળવી શૈલીમાં ખોટી ગણાવી અને સમાજને યોગ્ય માર્ગ તરફ દોરી જવા પ્રયાસ કર્યો.
ભુવા-ભોપાના વહેમમાં ન આવવાની સલાહ
તેમણે વધુમાં જણાવ્યું કે ભુવા-ભોપાની વાતોમાં ફસાઇ જવાથી પરિવારો આર્થિક તેમજ સામાજિક રીતે બરબાદ થઈ જાય છે. કોઈપણ મુશ્કેલી હોય તો નિષ્ણાત ડોક્ટર અને યોગ્ય સલાહકાર પાસે જવું જરૂરી છે. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભુવાઓ પાસે દુઃખ દૂર કરવાની શક્તિ હોત તો તેઓ પોતે લોકો પાસે માથામાં ધૂળ લઈને ન ફરતા. આ બધું માત્ર કમાવાનું સાધન છે, તેથી સમાજે હોશિયાર બની રહેવું જોઈએ.
દીકરીઓની સુરક્ષાને લઈને સમાજને એકતા જાળવવા અપીલ
દીકરીઓની સલામતી મુદ્દે ગેનીબેન ઠાકોરે સમાજને એક થવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે કોઈની આબરૂ પર હાથ નાંખવો ન જોઈએ, પરંતુ જો સમાજની કોઈ દીકરી સાથે અન્યાય થાય તો આખો સમાજ મળીને તેનો સામનો કરવો જોઈએ. અન્ય સમાજની દીકરીઓને નુકસાન ન પહોંચાડવાનું અને પોતાની દીકરીની સુરક્ષા માટે દૃઢ બનવાનું તેમણે જરૂરી ગણાવ્યું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનોની હાજરી
આ કાર્યક્રમમાં સંસદ ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ ઠાકોર સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં લોકો જોડાતા આ કાર્યક્રમ સમાજમાં નવી જાગૃતિનું સશક્ત માધ્યમ બન્યો અને અંધશ્રદ્ધા સામે સામૂહિક અવાજ ઊઠ્યો.

