હોર્મુઝમાં ઈરાન સામે અમેરિકાનું ‘સરન્ડર’? જાણો કેમ સાઉદી અરેબિયાએ અમેરિકાને સાથ આપવાનો ઈનકાર કર્યો
વૈશ્વિક રાજનીતિમાં અત્યારે એક અત્યંત ચોંકાવનારો વળાંક જોવા મળી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી મહાસત્તા ગણાતું અમેરિકા, હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન સામે પીછેહઠ કરવા મજબૂર બન્યું છે. હોર્મુઝમાં ચાલી રહેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અચાનક રોકી દેવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને ઘણા નિષ્ણાતો ઈરાન સામેનું ‘સરન્ડર’ ગણાવી રહ્યા છે. જોકે, આ પાછળનું અસલી કારણ યુદ્ધનું મેદાન નહીં, પણ ડિપ્લોમેટિક દબાણ હોવાનું સામે આવ્યું છે.
શું હતો ‘પ્રોજેક્ટ ફ્રીડમ’?
૩ એપ્રિલના રોજ અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ની શરૂઆત કરી હતી. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને તોડીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારિક અવરજવર પુનઃસ્થાપિત કરવાનો હતો. અમેરિકી નૌકાદળની દેખરેખ હેઠળ આ મિશન શરૂ તો થયું, પણ માત્ર ૪૮ કલાકની અંદર જ તેને અચાનક સ્થગિત કરી દેવામાં આવ્યું.
સાઉદી અરેબિયાનું દબાણ અને એરસ્પેસનો ઈનકાર
અમેરિકી મીડિયા નેટવર્ક NBC ના અહેવાલ મુજબ, ટ્રમ્પના આ નિર્ણય પાછળ સાઉદી અરેબિયાનું ભારે દબાણ જવાબદાર છે. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું કે, ઈરાન સાથેના કોઈ પણ સૈન્ય સંઘર્ષ માટે અમેરિકા સાઉદીના સૈન્ય મથકો (Military Bases) નો ઉપયોગ કરી શકશે નહીં. એટલું જ નહીં, સાઉદીએ અમેરિકી લડાયક વિમાનોને ઉડાન ભરવા માટે પોતાની એરસ્પેસ (હવાઈ સીમા) વાપરવાની પણ મનાઈ ફરમાવી દીધી.
સાઉદી અરેબિયાનું માનવું છે કે જો આ વિસ્તારમાં સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળશે, તો તેની સૌથી વિપરીત અસર ખાડી દેશો (Gulf Countries) પર પડશે. ઈરાન તેની મિસાઈલ શક્તિનો ઉપયોગ સાઉદી અને યુએઈના ઓઈલ રિફાઈનરીઓ પર કરી શકે છે, જે આ દેશોના અર્થતંત્રને તબાહ કરી શકે તેમ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ત્રણ મોટા ‘યુ-ટર્ન’
ઈરાન સામેની આ લડાઈમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વલણમાં વારંવાર બદલાવ જોવા મળ્યો છે, જેને વિવેચકો તેમની અસ્થિર રણનીતિ માની રહ્યા છે:
તખ્તાપલટનો દાવો: ૨૮ ફેબ્રુઆરીએ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી હુમલાથી ઈરાનમાં સત્તા પરિવર્તન આવશે. જોકે, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને નિશાન બનાવવાનો અમેરિકાનો ઈરાદો સફળ રહ્યો નહીં.
વાટાઘાટો પર પ્રતિબંધ: ૭ માર્ચે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ સીઝફાયર માટે ઈરાન સાથે કોઈ વાતચીત નહીં કરે. પરંતુ પરિસ્થિતિ વણસતા તેઓ ફરીથી મંત્રણાના ટેબલ પર આવવા મજબૂર બન્યા છે.
પ્રોજેક્ટ ફ્રીડમનો અંત: એપ્રિલમાં શરૂ થયેલું આ મહત્વકાંક્ષી ઓપરેશન માત્ર બે દિવસમાં જ સંકેલી લેવું પડ્યું. ટ્રમ્પે પાછળથી એવું બહાનું કાઢ્યું કે ઈરાન સાથે વાતચીતનો માર્ગ મોકળો કરવા માટે આ મિશન રોકવામાં આવ્યું છે.
ઈરાનની આક્રમકતા અને પડોશી દેશોનો ફાળકો
અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમ સામે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ પણ કડક વલણ અપનાવ્યું હતું. આ દરમિયાન ઈરાને યુએઈ (UAE) પર કેટલાક હુમલા કર્યા અને સાઉદી પર હુમલો કરવાની તૈયારીઓ પણ દર્શાવી. આ આક્રમકતાને કારણે ખાડી દેશોમાં ફાળકો પડ્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈમાં તેઓ બિનજરૂરી રીતે પીસાઈ જશે.
સાઉદી અરેબિયાએ ઈરાન સાથે સીધી વાતચીત કરીને સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર ‘સમજૂતી’ અને ‘શાંતિ’ ઈચ્છે છે, યુદ્ધ નહીં. સાઉદીના આ વલણે અમેરિકાના સૈન્ય આયોજનના પાયા હચમચાવી દીધા, કારણ કે મધ્ય પૂર્વમાં સાઉદીના બેઝ વગર અમેરિકા માટે મોટું ઓપરેશન કરવું અત્યંત ખર્ચાળ અને જોખમી બની રહે છે.
આગળની સ્થિતિ: યુદ્ધ કે શાંતિ?
અત્યારે તો એવું લાગે છે કે અમેરિકાએ પોતાની વ્યૂહાત્મક હાર સ્વીકારીને રાજદ્વારી માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. હોર્મુઝમાં જહાજોને બહાર નીકળવાની મંજૂરી આપવી એ આ પ્રક્રિયાનો જ એક ભાગ છે. જોકે, ઈરાન જે રીતે આ ક્ષેત્રમાં શક્તિશાળી બનીને ઉભર્યું છે, તે અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વ માટે એક મોટો પડકાર છે.

