પીએફ ઉપાડની પ્રક્રિયામાં મોટો સુધારો – હવે પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ (PF) ઉપાડ અને ખાતા ટ્રાન્સફરની પ્રક્રિયાને લઈને લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણયો પગારદાર વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ કરીને ઓટોમેશન અને નવી ટેકનોલોજીના ઉપયોગથી ૭ કરોડથી વધુ સભ્યોને હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
પીએફ ઉપાડ હવે થશે ઝડપી
સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ બુધવારે જાહેરાત કરી છે કે EPFO ટૂંક સમયમાં પીએફના અંતિમ ઉપાડ (Final Withdrawal) ની પ્રક્રિયાને સંપૂર્ણપણે સ્વચાલિત (Automatic) કરવા જઈ રહ્યું છે. આ વ્યવસ્થા લાગુ થયા બાદ કર્મચારીઓએ પોતાના પૈસા મેળવવા માટે લાંબી રાહ જોવી નહીં પડે. હાલમાં ૫ લાખ રૂપિયા સુધીના આંશિક કે એડવાન્સ ઉપાડના દાવાઓ ઓટોમેશન દ્વારા માત્ર ૩ દિવસમાં પતાવવામાં આવે છે, જેનો વ્યાપ હવે વધારવામાં આવશે.
નોકરી બદલતા પીએફ ટ્રાન્સફરની ઝંઝટ ખતમ
કર્મચારીઓ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે હવે નોકરી બદલવા પર જૂના પીએફ ખાતામાંથી નવા ખાતામાં ભંડોળ આપમેળે ટ્રાન્સફર થઈ જશે. રમેશ કૃષ્ણમૂર્તિએ સ્પષ્ટ કર્યું કે આ માટે કર્મચારીએ કોઈ અલગ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. EPFO પોતે જ ડેટાના આધારે જૂના ખાતાનું બેલેન્સ નવા સભ્યના ખાતામાં જમા કરી દેશે, જેનાથી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે.
નવી શ્રમ સંહિતા અને આગામી યોજનાઓ
કેન્દ્ર સરકાર દ્વારા ૮ મેના રોજ સૂચિત કરાયેલી ચાર નવી શ્રમ સંહિતા (Labour Codes) હેઠળ પીએફ સંબંધિત નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત ત્રણ મુખ્ય યોજનાઓ – EPF યોજના ૧૯૫૨, કર્મચારી થાપણ સાથે જોડાયેલ વીમા યોજના ૧૯૭૬ અને કર્મચારી પેન્શન યોજના ૧૯૯૫ – ને ફરીથી સૂચિત કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ સચિવ વંદના ગુરનાનીએ જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય બિઝનેસને સરળ બનાવવાનો અને કામદારો સાથે ન્યાય થાય તેની ખાતરી કરવાનો છે.
આ નવા ફેરફારોથી માત્ર વહીવટી સરળતા જ નહીં વધે, પરંતુ કરોડો કામદારોને તેમના હકના નાણાં મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પણ અંત આવશે.
