હજ 2026: ભાડામાં 10 હજારનો વધારો થતા વિવાદ, ઓવૈસી લાલઘૂમ તો સરકારે ગણાવ્યું વૈશ્વિક કારણ
હજ યાત્રાએ જવાની ઈચ્છા રાખતા શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે આર્થિક બોજ થોડો વધ્યો છે. હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ 2026 માટે વિમાન ભાડામાં 10,000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. એકતરફ વિપક્ષી નેતાઓ આને અન્યાય ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ વધારા પાછળના મજબૂત ટેકનિકલ અને વૈશ્વિક કારણો રજૂ કર્યા છે.
અસદુદ્દીન ઓવૈસીનો આકરો પ્રહાર: “શું ગરીબો હજ નહીં કરી શકે?”
એઆઈએમઆઈએમ (AIMIM) ના ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા અને મીડિયા નિવેદનો દ્વારા આ વધારાને ‘મુસ્લિમો સાથે અન્યાય’ ગણાવ્યો છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે, “મુંબઈ એમબાર્કેશન પોઈન્ટ પરથી પહેલેથી જ યાત્રીઓ પાસેથી 90 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે, હવે અચાનક બીજા 10 હજારની માંગણી કરવામાં આવી રહી છે. શું સરકાર એવું ઈચ્છે છે કે સામાન્ય ગરીબ માણસ ક્યારેય હજ પર ન જઈ શકે? આ એક પ્રકારની વસૂલાત છે અને સરકારે તાત્કાલિક આ વધારાના પૈસા પરત કરવા જોઈએ.”
માત્ર ઓવૈસી જ નહીં, કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને કિરણ રિજિજુને મળીને રજૂઆત કરશે જેથી હજ યાત્રીઓ પર પડતો આ વધારાનો આર્થિક બોજ ઓછો કરી શકાય.
કિરણ રિજિજુની સફાઈ: “તણાવને કારણે ઈંધણના ભાવ આસમાને”
વિવાદ વકરતા લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સરકારનો પક્ષ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે. તેમણે સમજાવ્યું કે આ વધારો કોઈ રાજકીય નિર્ણય નથી પણ મજબૂરી છે. રિજિજુના જણાવ્યા મુજબ, મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે વૈશ્વિક સ્તરે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઈંધણની કિંમતોમાં 30 થી 40 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે.
મંત્રીએ આંકડા આપતા કહ્યું, “ખરેખર તો ઈંધણના ભાવ વધારાને જોતા દરેક યાત્રી દીઠ ભાડામાં 30 થી 40 હજાર રૂપિયાનો વધારો કરવો પડે તેવી સ્થિતિ હતી. પરંતુ સરકાર અને મંત્રાલયે દરમિયાનગીરી કરી અને એરલાઇન્સ સાથે વાતચીત કરીને આ બોજને માત્ર 10 હજાર રૂપિયા સુધી મર્યાદિત રાખ્યો છે. આ રીતે સરકારે દરેક હજ યાત્રીના અંદાજે 200 થી 300 ડોલર બચાવ્યા છે.”
સરકારની દલીલ: “શોષણ નહીં, આ તો સહાય છે”
લઘુમતી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સરકાર હજ યાત્રીઓની ભાવનાઓનું સન્માન કરે છે. ઈંધણના વધારાનો મોટાભાગનો ભાર સરકાર પોતે સહન કરી રહી છે જેથી સામાન્ય યાત્રી પર તેની ઓછી અસર પડે. આખી પ્રક્રિયા અત્યંત પારદર્શક રાખવામાં આવી છે.
નોંધનીય છે કે, ભાડામાં વધારા છતાં હજ યાત્રા માટેનો ઉત્સાહ ઓછો થયો નથી. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હજ 2026 માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.
ભાડા વધારાની યાત્રીઓ પર અસર
સામાન્ય રીતે હજ યાત્રા માટે જનારા લોકો વર્ષોથી બચત કરતા હોય છે. મધ્યમ વર્ગ કે ગરીબ પરિવારના લોકો જ્યારે પવિત્ર યાત્રાએ જવાની તૈયારી કરતા હોય ત્યારે છેલ્લી ઘડીએ 10 હજારનો વધારો તેમને ચોક્કસપણે અસ્વસ્થ કરી શકે છે. જોકે, સરકારનું કહેવું છે કે જો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવ વધે તો તેની અસર હવાઈ મુસાફરી પર પડવી સ્વાભાવિક છે.

