માત્ર જહાજોને જ નહીં, હવે તમને પણ આકર્ષશે! ગુજરાતની 17 દીવાદાંડીઓમાં શરૂ થઈ આ અદ્ભુત સુવિધાઓ
ગુજરાતના સમૃદ્ધ અને લાંબા દરિયાકિનારા પર સ્થિત ઐતિહાસિક દીવાદાંડીઓ (લાઇટહાઉસ) હવે માત્ર જહાજોને માર્ગ બતાવવાનું કામ નથી કરી રહી, પરંતુ તેઓ પ્રવાસન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના ઐતિહાસિક દરિયાઈ વારસાને જાળવી રાખીને તેને પ્રવાસન સાથે જોડવાની એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને નવી વેગ મળી છે, જેના ભાગરૂપે રાજ્યના 17 જેટલા પ્રમુખ લાઇટહાઉસને આધુનિક વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.
નેવિગેશનથી લઈને ટુરિઝમ સુધી: બદલાતી દીવાદાંડીઓની ઓળખ
પરંપરાગત રીતે, લાઇટહાઉસનો ઉપયોગ માત્ર દરિયામાં મુસાફરી કરતા જહાજોને ભયજનક ખડકોથી બચાવવા અને દિશા દર્શાવવા માટે થતો હતો. પરંતુ હવે આ ઐતિહાસિક સ્થાપત્યો ઇતિહાસ, આધુનિક ટેક્નોલોજી, સ્થાનિક સંસ્કૃતિ અને મનોરંજનનો એક અનોખો સંગમ બની ગયા છે.
રાજ્યભરમાં આવેલી દીવાદાંડીઓ ખાતે પ્રવાસીઓ માટે આધુનિક અને આકર્ષક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે:
-
મનોરંજન અને આરામ: સુશોભિત બગીચા, ગઝિબો, કૅફેટેરિયા અને બાળકો માટે ખાસ પ્લેગ્રાઉન્ડ.
-
સાંસ્કૃતિક અનુભવ: ઍમ્ફિથિયેટર અને રંગબેરંગી ‘લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ’.
-
સુગમતા: વૃદ્ધો અને દિવ્યાંગો માટે લિફ્ટ તેમજ ઉત્તમ જાહેર સુવિધાઓ.
આ ફેરફારથી પ્રવાસીઓને દરિયાના રમણીય નજારાની સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ પણ એક જ જગ્યાએ મળી રહ્યો છે.

ગુજરાતના આ 17 લાઇટહાઉસ બન્યા પ્રવાસીઓનું નવું સરનામું
૨,૩૪૦.૬૨ કિલોમીટર જેટલો જંગી દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ પ્રવાસનની અપાર શક્યતાઓ રહેલી છે. આ પહેલ હેઠળ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા ૧૭ મહત્વપૂર્ણ લાઇટહાઉસનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે.
વિકસિત કરવામાં આવેલા ૧૭ લાઇટહાઉસ: ૧. માંડવી (કચ્છ)
૨. રાવલપીર
૩. સમિયાણી
૪. ઓખા
૫. કચ્છીગઢ
૬. પોરબંદર
૭. માંગરોળ
૮. જાફરાબાદ
૯. જેગ્રી
૧૦. અલંગ
૧૧. ઘોઘા
૧૨. હજીરા (સુરત)
૧૩. વલસાડ ખાડી
૧૪. ગોપનાથ
૧૫. વેરાવળ
૧૬. દ્વારકા
૧૭. ઉમરગામ
આ સ્થળો માત્ર સ્થાનિક પ્રવાસીઓ જ નહીં, પરંતુ રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
કેન્દ્ર સરકારની નીતિ અને દ્વારકા-ગોપનાથમાં મ્યુઝિયમની સ્થાપના
ભારત સરકાર દ્વારા દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે ‘મરીન એઇડ્સ ટુ નેવિગેશન ઍક્ટ, ૨૦૨૧’ (Marine Aids to Navigation Act, 2021) ની કલમ ૨૩ હેઠળ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સમૃદ્ધ દરિયાઈ વારસાના સંરક્ષણની સાથે શૈક્ષણિક અને પ્રવાસન હેતુઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ સમગ્ર દેશમાં કુલ ૭૫ લાઇટહાઉસ પસંદ કરીને વિકસાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં આ અનુભવને વધુ સક્ષમ બનાવવા માટે દ્વારકા અને ગોપનાથ ખાતે ખાસ ‘લાઇટહાઉસ મ્યુઝિયમ’ ની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મ્યુઝિયમમાં:
-
લાઇટહાઉસ ટેક્નોલોજીમાં સદીઓ દરમિયાન આવેલા તકનીકી પરિવર્તનો.
-
ભારતના પ્રાચીન અને આધુનિક મેરિટાઇમ નેવિગેશનનો ઈતિહાસ.
-
દરિયાઈ વેપાર અને સંસ્કૃતિની વાર્તાઓ પ્રદર્શિત કરવામાં આવે છે.
આ પ્રદર્શન નવી પેઢીને ભારતની દરિયાઈ ક્ષમતા અને તકનીકી ઈતિહાસ વિશે જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)
લાઇટહાઉસ ટુરિઝમની સાથે સાથે, ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા પ્રાચીન હડપ્પીય બંદર લોથલ ખાતે દેશનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટ ભારતના હજારો વર્ષ જૂના સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસને વૈશ્વિક મંચ પર રજૂ કરશે.
દ્વારકાના દરિયાકિનારેથી લઈને ઉમરગામ સુધી ફેલાયેલી આ દીવાદાંડીઓ હવે માત્ર રાત્રે ઝગમગતા દીવા નથી, પરંતુ બ્લુ ઈકોનોમી અને મેરિટાઈમ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની નવી ઓળખ બની ગઈ છે.