નિવાસી શિક્ષણ સાથે કસરત, શિસ્ત અને દેશસેવાના સંસ્કાર આપતી અનોખી રક્ષા શક્તિ શાળા યોજના
રાજ્યના વિદ્યાર્થીઓ દેશની સંરક્ષણ, પેરા મિલિટરી અને પોલીસ સેવામાં પોતાની કારકિર્દી બનાવી શકે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ‘RSS-રક્ષા શક્તિ સ્કૂલ્સ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સુરત સહિત રાજ્યના ૧૦ જિલ્લાઓમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) થી અત્યાધુનિક નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામ ખાતે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા સંચાલિત શાળામાં હાલ ધોરણ ૬ માં ૫૪ વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.
દિવસભરની તાલીમ અને શિસ્તબદ્ધ જીવન
રક્ષા શક્તિ શાળામાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવે છે:
-
શારીરિક તાલીમ: સવારે યોગ, પ્રાણાયામ અને દોડથી દિવસની શરૂઆત થાય છે. સાંજે કરાટે, સ્વિમિંગ અને ઊંચી કૂદ જેવી રમતો રમાડવામાં આવે છે.
-
સૈન્ય તાલીમ: નિવૃત્ત આર્મી ઓફિસરો દ્વારા બાળકોને એનસીસી (NCC) પરેડ અને સંરક્ષણ ક્ષેત્રની પાયાની સમજ આપવામાં આવે છે.
-
પોષણયુક્ત આહાર: બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રોટીન અને વિટામિન્સયુક્ત ઋતુ અનુસાર ભોજન અને નાસ્તો નિ:શુલ્ક પૂરો પાડવામાં આવે છે.
પ્રવેશ પ્રક્રિયા અને પાત્રતાના ધોરણો
આ શાળાઓમાં પ્રવેશ મેળવવો તે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગૌરવની વાત છે. પ્રવેશની પ્રક્રિયા અત્યંત પારદર્શક રાખવામાં આવી છે:
૧. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET): વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય સ્તરની લેખિત પરીક્ષાના મેરિટના આધારે કરવામાં આવે છે.
૨. મેડિકલ ફિટનેસ: સૈનિક શાળા બાલાચડીની પેટર્ન મુજબ સિવિલ સર્જન દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવે છે.
૩. અનામત અને બેઠકો: સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે ૭૫% અને ખાનગી શાળાના બાળકો માટે ૨૫% બેઠકો ફાળવવામાં આવી છે.
ભવિષ્યના રક્ષકોના સપના
વલસાડનો કૌટિલ્ય દુબે હોય કે ભાવનગરનો પર્વ જોડિયા, રક્ષા શક્તિ સ્કૂલના માધ્યમથી આ બાળકો નેવી ઓફિસર અને IAS બનવાના સપના સાકાર કરવા મહેનત કરી રહ્યા છે. શારીરિક અને માનસિક સજ્જતા કેળવીને આ બાળકો આવનારા સમયમાં દેશની સુરક્ષા દિવાલમાં મહત્વનું પ્રદાન આપશે. આ યોજનાની સફળતા જોઈને અન્ય રાજ્યો પણ ગુજરાતના આ મોડેલને અપનાવવા આતુર છે.

