દરિયાકાંઠાના વિસ્તારોમાં સીવીડ ખેતીથી રોજગાર અને બ્લૂ ઇકોનોમીમાં વધારો
રાજકોટમાં જાન્યુઆરી 2026થી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશન માટે ગુજરાત સરકાર મોટા પ્રદર્શનની તૈયારી કરી રહી છે. તેમાં દેશમાં ઝડપી પ્રગતિ કરતી બ્લૂ ઇકોનોમીનો એક અગત્યનો ભાગ બની રહેલી સીવીડ ખેતીનું પણ પ્રદર્શન થવાનું છે. આ દરિયાઈ શેવાળ હવે માત્ર ખાદ્ય કે ઔષધીય ઉપયોગમાં નહીં, પરંતુ વ્યાવસાયિક ઉત્પાદન તરીકે પણ મહત્વપૂર્ણ સ્થાન મેળવી રહ્યું છે. VGREમાં તેનું પ્રદર્શન રાજ્યની નવી દિશા દર્શાવતું બનશે.
દરિયાઈ શેવાળ ‘સીવીડ’ શું છે અને તે કેટલું ઉપયોગી છે?
સીવીડ એક દરિયાઈ છોડ છે, જે ખાસ કરીને ખનિજ, ફાઇબર, વિટામિન્સ અને આયોડિનથી સમૃદ્ધ હોય છે. આ શેવાળનું સેવન આંતરડાં માટે લાભદાયક, હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય અને થાઇરોઇડ કાર્યને સંતુલિત રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. અનેક પ્રકારના એન્ટીઑકિસડન્ટ્સને કારણે તે બળતરા વિરોધી તથા અન્ય આરોગ્યલક્ષી ગુણધર્મો ધરાવે છે. ખોરાક ઉદ્યોગથી લઈને ઔષધિય ઉત્પાદનમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
ગુજરાતના લાંબા દરિયાકિનારે સીવીડ ખેતીમાં ઝડપી વિકાસ
ગુજરાતના 1600 કિમીના વિશાળ દરિયાકાંઠામાંથી લગભગ 430 કિમી વિસ્તાર સીવીડ ખેતી માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. કચ્છથી લઈને દ્વારકા સુધીના દરિયાકાંઠાઓ પર આ ખેતી ઝડપથી વિસ્તરી રહી છે. આ નવી ખેતી માછીમાર પરિવારોને વધારાની આવક આપે છે અને બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ઉત્પાદન રોજગારના નવા અવસર ઊભા કરી રહ્યું છે.
સીવીડ ખેતીથી દરિયાકાંઠાના પરિવારોને માસિક કમાણી
ચોમાસામાં માછીમારી બંધ રહેતી વખતે સીવીડ ખેતી ઘણા પરિવારો માટે આવકનું મહત્વનું સ્ત્રોત બને છે. કચ્છ જિલ્લામાં 2023-24 દરમિયાન 14 ટન સીવીડનું ઉત્પાદન નોંધાયું હતું. ખાસ કરીને મહિલા સ્વ-સહાય જૂથો માટે આ ખેતી લાભદાયક સાબિત થઈ રહી છે, જેમાંથી ઘણી મહિલાઓ દર મહિને 12,000થી 18,000 રૂપિયા સુધી કમાણી કરે છે. પર્યાવરણને અનુકૂળ આ વ્યવસાય યુવા પેઢીને પણ આકર્ષી રહ્યો છે.
તાલીમ અને નવી તકનીકોથી સીવીડ ઉત્પાદનને વેગ
ગુજરાતમાં સીવીડ ફાર્મિંગ હવે સરકાર સહાયિત અને સંશોધન આધારિત ચળવળ બની ગયું છે. અનેક જિલ્લાોમાં દરિયાકાંઠાના લોકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી રહી છે. કચ્છના 17 ગામોમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ તૈયાર થયા છે. GIS મેપિંગ અને નવી તકનીકોની મદદથી રાજ્યમાં સીવીડ ઉત્પાદનનું નકશો સતત વિસ્તરી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ સમયાંતરે તાલીમ કાર્યશાળાઓ યોજાય છે.
સરકારના વિશેષ પ્રોત્સાહનથી સીવીડ ક્ષેત્ર મજબૂત
સીવીડને મેરીકલ્ચર વિઝનનો અગત્યનો ભાગ બનાવીને ગુજરાત સરકારે આ ક્ષેત્રમાં નાણાકીય સહાય વધારી છે. રાફ્ટ યુનિટનો ખર્ચ 3,000માંથી વધારીને 6,000 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે ટ્યુબ-નેટ યુનિટનો ખર્ચ 8,000માંથી 25,000 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે. પ્રોસેસિંગ સુવિધાઓથી લઈને સમુદ્રી ખેતી સાધનો સુધી સરકાર સર્વાંગી સહાય પૂરી પાડી રહી છે.
સંશોધન કેન્દ્રો અને ભવિષ્યના આયોજનથી સીવીડનું વિસ્તરણ
સીવીડ બીજ ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય 2 કરોડ રૂપિયા સીવીડ બેંક યુનિટ્સ માટે ખર્ચશે. અગર, કેરેજીનન અને બાયો-ઉત્તેજકો બનાવવા માટે 5 કરોડ રૂપિયાનું પ્રોસેસિંગ યુનિટ પણ સ્થાપિત થશે. ઓખામાં કામધેનુ યુનિવર્સિટી હેઠળ સીવીડ સંશોધન અને ઉપયોગિતા માટે 6 કરોડનું વિશેષ કેન્દ્ર પણ બનાવાશે. આ તમામ આયોજન રાજ્યના બ્લૂ ઇકોનોમી અભિયાનને નવી ઊંચાઈ આપે છે.
VGREમાં ગુજરાતની સિદ્ધિઓનું ભવ્ય પ્રદર્શન
આવતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સીવીડ ઉત્પાદનને રાજ્યની વિશેષ સિદ્ધિ તરીકે રજૂ કરવામાં આવશે. આ એક્ઝિબિશન કચ્છ અને સૌરાષ્ટ્રના MSMEs, સ્ટાર્ટઅપ્સ, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ રૂપે સાબિત થશે. આ કોન્ફરન્સ દરિયાકાંઠાના વિકાસ અને મરીન ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તક આપશે.

