ધોલેરા-સાણંદથી ગિફ્ટ સિટી સુધી એન્ડ ટુ એન્ડ ઇકોસિસ્ટમ, વિકસિત ભારત @2047 તરફ ઐતિહાસિક પગલું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026’ નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. “ગુજરાત: ભારતનું સિલિકોન ગેટવે” થીમ સાથે આયોજિત આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાત પોતાની પોલિસી સ્ટેબિલિટી અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું ‘ટેક એન્જિન’ બનવા સજ્જ છે. સાણંદમાં માઇક્રોન પ્લાન્ટના પ્રારંભને તેમણે ટેકનોલોજીકલ ક્રાંતિનો શંખનાદ ગણાવ્યો હતો.
સેમીકોન 2.0: ભારત બનશે ડિઝાઇન અને ટેલેન્ટનું વૈશ્વિક હબ
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે ‘સેમીકોન 2.0’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત હવે માત્ર ચિપ ઉત્પાદન જ નહીં, પરંતુ ડિઝાઇન, મશીનરી અને ટેલેન્ટમાં પણ વિશ્વનું નેતૃત્વ કરશે.
-
ટેલેન્ટ પૂલ: આગામી સમયમાં સર્જાનારી 20 લાખ નિષ્ણાતોની અછતને ભારત પૂરી કરશે. 85 હજાર એન્જિનિયર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક સમય પહેલા જ હાંસલ કરી લેવાયો છે.
-
શૈક્ષણિક વિસ્તાર: ચિપ ડિઝાઇનિંગના નેટવર્કને 315 યુનિવર્સિટીઓથી વધારીને 500 સુધી લઈ જવામાં આવશે.
-
રોકાણ: 250 બિલિયન ડોલરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 17 બિલિયન ડોલરનું ડીપ-ટેક વીસી ફંડિંગ આ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે.
ધોલેરા: ભારતનું ઉભરતું ‘સેમીકોન સિટી’
મુખ્યમંત્રીશ્રીએ રોકાણકારોને વિશ્વાસ અપાવ્યો કે ધોલેરા SIR હવે માત્ર કાગળ પરની બ્લૂ પ્રિન્ટ નથી, પરંતુ ભારતનું પ્રથમ ‘સેમીકોન સિટી’ બનવા જઈ રહ્યું છે.
-
એન્ડ-ટુ-એન્ડ ઇકોસિસ્ટમ: ધોલેરા અને સાણંદમાં મેન્યુફેક્ચરિંગ તથા ગિફ્ટ સિટીમાં ડિઝાઇન અને ફાઇનાન્સના સમન્વયથી એક સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
-
ગ્રીન ગ્રોથ: ગુજરાત પાવર સરપ્લસ અને રિન્યૂએબલ એનર્જીમાં અગ્રેસર હોવાથી સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે ‘ગ્રીન ગ્રોથ’ ની ઉત્તમ તક પૂરી પાડે છે.
-
કૌશલ્ય વર્ધન: IIT ગાંધીનગરમાં ‘સમર્થ પ્રોજેક્ટ’ હેઠળ અત્યાધુનિક નેનો ફેબ્રિકેશન લેબનું નિર્માણ થઈ રહ્યું છે.
ગુજરાતની આર્થિક તાકાત અને સુરક્ષિત રોકાણની ગેરંટી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 18% અને નિકાસમાં 30% થી વધુ હિસ્સો ધરાવે છે. તેમણે રોકાણકારોને ખાતરી આપી કે ગુજરાતમાં કરવામાં આવેલું રોકાણ આગામી 10 પેઢીઓ સુધી સુરક્ષિત રહેશે. સાણંદ હવે ભારતનું નવું ‘સિલિકોન વેલી’ બનવા તરફ અગ્રેસર છે.
આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભવિષ્યનું વિઝન
મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ કોવિડ-19 સમયની સપ્લાય ચેઈન કટોકટીને યાદ કરતા જણાવ્યું કે આ પડકારને વડાપ્રધાનશ્રીએ અવસરમાં બદલી નાખ્યો છે. કોન્ફરન્સમાં જાપાન અને તાઈવાન જેવા દેશો સાથે સહયોગ વધારવા ‘કન્ટ્રી રાઉન્ડ ટેબલ’ યોજાયા હતા. આ ઇવેન્ટમાં વૈશ્વિક દિગ્ગજોએ મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને ફ્યુચર સ્કિલ્સ પર ગહન ચર્ચા કરી હતી.