ઇકો ટુરિઝમ સાથે વન્યજીવ સંરક્ષણનું સંતુલન જાળવશે ગુજરાત સરકાર, વિઝિટર ગાઈડલાઈન તૈયાર થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ‘ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ’ની બેઠકમાં રાજ્યના વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, રતનમહાલ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાવી એ રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. વાઘના કાયમી વસવાટ અને તેમની સંખ્યામાં વૃદ્ધિ માટે વન વિભાગ ‘નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી’ (NTCA) ના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યયોજના તૈયાર કરી રહ્યું છે.
જનભાગીદારી અને ઇકો-ટુરિઝમ પર ભાર
વન્યજીવોના જતન માટે માત્ર કાયદો જ નહીં, પણ લોકસહકાર અનિવાર્ય છે. તે માટે સરકારે નીચે મુજબનું આયોજન કર્યું છે:
-
કોમ્યુનિટી પાર્ટીશિપેશન: NTCA ના સહયોગથી સ્થાનિક લોકોને વાઘના સંરક્ષણ અને જતન માટે ખાસ તાલીમ આપવામાં આવશે.
-
વિઝિટર ગાઈડલાઈન: રાજ્યમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાની સાથે પ્રવાસીઓની અવરજવરથી વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે માટે કડક વિઝિટર પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે.
-
ખોરાક અને વસવાટ: વાઘ માટે કુદરતી ખોરાક (Prey base) અને યોગ્ય નિવાસસ્થાનની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
દીપડાઓ માટે નવું અભયારણ્ય
રાજ્યમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને માનવ-વન્યજીવ સંઘર્ષને ટાળવા માટે સરકાર સજ્જ છે:
૧. રેસ્ક્યુ સેન્ટર અને આવાસ: રેસ્ક્યુ થયેલા અને વસવાટ ગુમાવેલા દીપડાઓ માટે ટૂંક સમયમાં જ નવા અભયારણ્યનું સ્થળ સુનિશ્ચિત કરવામાં આવશે.
૨. સર્વગ્રાહી સંરક્ષણ: સિંહ, પક્ષી, ઘુડખર અને રીંછ અભયારણ્યોના વિકાસ અને સુરક્ષા અંગે પણ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર પર્યાવરણીય સંતુલન અને વન્યજીવ સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે, જેથી આગામી સમયમાં ગુજરાત ફરી એકવાર વાઘ, સિંહ અને દીપડાઓનું સુરક્ષિત આશ્રયસ્થાન બની રહે.

