બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય, અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો
ભારતીય હવામાન વિભાગને જે વાતની ચિંતા હતી તે હકીકતમાં રૂપ લઈ રહી છે. બંગાળની ખાડી પાસે બનેલી નવી હવામાન પ્રણાલી ઝડપથી બળ મેળવી રહી છે અને આવતા દિવસોમાં તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. મલેશિયા અને મલાક્કા સ્ટ્રેટ વિસ્તારમાં સક્રિય લો-પ્રેશર ઝોન હાલ 7.6 કિલોમીટર સુધી સાઇક્લોનિક સરક્યુલેશન રચી રહ્યો છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદ 48 કલાકની અંદર તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે, જેના કારણે દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં હવામાન વધુ વિકટ બનશે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી
IMD દ્વારા જાહેર કરાયેલ પૂર્વાનુમાન મુજબ આગામી પાંચ દિવસ તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન ટાપુઓમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. 25થી 30 નવેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં સતત વર્ષા સાથે વાવાઝોડું અને વીજળી પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આંદામાન વિસ્તારમાં સમુદ્રી પવનની ગતિ 40 થી 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કોમોરિન વિસ્તાર અને શ્રીલંકા નજીક બીજી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની અસર વધુ વધી શકે છે.
માછીમારો અને દરિયાકાંઠા વિસ્તારો માટે મહત્વની ચેતવણી
હવામાનની આ જટિલ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અનેક દિવસો માટે સમુદ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણ-પૂર્વ બંગાળ ખાડી, કોમોરિન, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 27થી 30 નવેમ્બર સુધી સમુદ્ર ખૂબ ઉશ્કેરાયેલો રહેશે. પહેલેથી હાજર માછીમારોને તાત્કાલિક સુરક્ષિત કિનારાઓ પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે. આ પૂર્વસાવચેતી જીવ અને સંપત્તિનું રક્ષણ કરવા માટે અત્યંત જરૂરી બની છે.
ગુજરાતમાં શુષ્કતા વચ્ચે વધશે ઠંડીનો અહેસાસ
ગુજરાતમાં હાલ હવામાન સંપૂર્ણપણે શુષ્ક છે અને ઉત્તરપૂર્વીય પવનો વહેતા હોવાથી ઠંડી ધીમે ધીમે વધી રહી છે. IMD મુજબ આવતા પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 25-26 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 16 થી 17 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે દિવસ દરમિયાન 30 ડિગ્રીની ઉષ્ણતા અનુભવાશે. ડિસેમ્બર મહિનાના મધ્યમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે ડિસેમ્બરના બીજા સપ્તાહથી પશ્ચિમી વિક્ષેપની અસરથી હવામાનમાં મોટો પલટો આવી શકે છે. 20 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં બરફવર્ષા વધે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ આકરી ઠંડી અનુભવાશે. જાન્યુઆરીના મધ્ય પછી ફરી ઠંડીની લહેર વકરી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ કેટલાક ભાગોમાં માવઠું જોવા મળી શકે છે.

