ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ સમિતિનો તાજ શક્તિસિંહ આજે સંભળનાર છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ ચાલુ રહેવા પામ્યુ છે.
ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી આજે ભાજપમાં જોડાનાર છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ગોવા રબારી આજે ભાજપમાં જોડાશે. ડીસા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ગોવા રબારી ભાજપમાં વિધિવત રીતે જોડાઈ જશે ગોવા રબારીની સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાશે.
ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ એકસાથે 5 નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડતાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહેવા પામ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે છેલ્લા લાંબા સમયથી ગોવા રબારી કોંગ્રેસ માંથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં જવાના હોવાની વાત ચર્ચાતી હતી અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે ભાજપમાં જોડાઈ જશે.
આમ,કોંગ્રેસ પક્ષમાંથી વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ જશે.