રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદ સાથે નાની નાની મરેલી માછલીઓ પણ પડતા ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું અને લોકો જોવા ટોળે વળ્યા હતા.
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઇ છે.
ઉત્તર ગુજરાતના ધનસુરામાં સૌથી વધુ પોણા 3, વડગામમાં સવા 2 ઇંચ, વિજયનગર, મોડાસા, સિદ્ધપુરમાં 2 અને તલોદમાં સતત બીજા દિવસે 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ,આજે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોમાં 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી થઈ છે, વરસાદ સાથે પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા વ્યક્ત થઈ છે.
દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં સોમવારે સાંજે છ વાગ્યે પુરા થતા 48 કલાક દરમિયાન વડગામમાં બે ઇંચ, દાંતીવાડા દોઢ, પાલનપુર – દિયોદર એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અંબાજી, સુઈગામ, ડીસામાં ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. સોમવારે સાંજે 6:00 પૂરા થતાં 48 કલાક દરમિયાન પાલનપુરમાં 26 મીમી વરસાદ નોંધાયો હતો.
આમ,ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.