ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાથરણું પાથરી હાથ રૂમાલ વેચી પેટિયું રળતી વિધવા મહિલા ને સિવિલના તબીબે ત્યાં બેસવાનું નહિ જણાવી આ ગરીબ મહિલા ને ઢસડતા હોવાના દ્રશ્યો સર્જાતા લોકો તબીબના વર્તનને લઈ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સિવિલ પ્રશાસને નોંધ લઈ ડોકટર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર જીઈબી કાચા છાપરામાં રહેતા ઝરીનાબેન સુભાન કટિયા નામની વિધવા મહિલા સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ સહિતના કપડા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટે પણ ઝરીના બહેન ક હાથ રૂમાલ વેચી રહ્યા હતા ત્યારે અહીં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. વિકી પરીખ આવ્યા હતા અને મહિલા સાથે માથાકૂટ કરી તેને ત્યાંથી જતા રહેવા જણાવી થેલો ફેંકવાની કોશિશ કરી હતી. પરંતુ, ઝરીનાબેને પોતાનો થેલો પકડી રાખતા ડોકટર વિકી પરીખે થેલા સાથે ઝરીનાબેનને 50 ફૂટ સુધી જમીન પર ઢસડ્યા હતા. ડોકટર કક્ષાના વ્યક્તિ દ્વારા એક મહિલા સાથે જાહેર માં થઇ રહેલા આ કૃત્ય જોઈ અહીં ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ભોગ બનનારી મહિલાએ કહ્યું હતું કે સિવિલના દરવાજે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, કોઇ સંતાન નથી. શનિવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી છતાં તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને 50 ફૂટ જેટલી મને ઢસેડી હોવાનું જણાવ્યું હતું.
આ ઘટના ને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.