સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપૂર ગામની સીમમાં આવેલા 500 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા અઢી વર્ષના માસુમ બાળકને માત્ર 40 મિનીટમાં જ આર્મીના જવાનો એ રેસ્ક્યુ કરી બચાવી લેતા બાળકની જિંદગી બચી ગઈ હતી.
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસુમ બાળક રમતા રમતા બોરમાં પડી જતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી અને આ ઘટનાની જાણ થતાંજ સ્થળ ઉપર ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અમદાવાદ NDRFની ટીમ સહિત ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.
દરમિયાન ધ્રાંગધ્રા આર્મીની ટીમે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરતા બાળક 30 ફૂટ પર ફસાઈ ગયાનું જણાયુ હંતુ. ત્યારે ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવીત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આ માસુમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યો હતો.
આર્મીના જવાનોએ ખુબજ સલામત અને સફળતાપૂર્વક બાળકનો જીવ બચાવતા તેઓની પ્રશંસા થઈ રહી છે.
આમ,બાળકનો જીવ બચાવી આર્મી ના જવાનો એ પોતાની ફરજ બજાવી હતી.