રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા,વલસાડ, ખેડા, નડિયાદ, ડાકોર, માતર,ગોધરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે નડિયાદમાં આજે શનિવારે વહેલી સવારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સાથેજ ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, માતર સહિતના વિસ્તારમાં વરસાદ પડયાના અહેવાલ છે.
નડિયાદ શહેરમાં આજે શનીવારે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ જતા ભારે અફરા તફરી મચી હતી.
ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે સાહસ કરી બસ પસાર કરવા જતા ગરનાળામાં અધવચ્ચે જ બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા.
જોકે,આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.
નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તાર , વૈશાલી ગરનાળા , માઈ મંદિર ગરનાળા , ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા હતા
વડોદરા શહેર અને જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ ચાલુ છે જે સવાર સુધીમાં વડોદરામાં 1 ઇંચ, સાવલીમા 2 અને ડેસર તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુપણ ચાલુ છે.