ગુજરાતમાં કોરોનાનો વ્યાપ છેલ્લા બે-ત્રણ દિવસમાં ખૂબ જ વધ્યો હોવાનું જોવા મળે છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીગી જમાતની મરકઝથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. એક દિવસમાં થયેલા 14 નવા કેસમાં અમદાવાદમાં 10 કેસ સૌથી વધુ નોંધાયા છે જેમાં પાંચ કેસમાં દિલ્હી કનેક્શન જોવા મળ્યું છે.
