- કોકોપીટના ઉપયોગથી મરચીમાં 25 ટકા વધારે ઉત્પાદન મેળવતા કવનકુમાર
દિલીપ પટેલ
અમદાવાદ, 15 ઓગસ્ટ 2024
Krushi Mahiti: ખેડા જિલ્લાના ઠાસરાના ખીજલપુર તળપદગામના 37 વર્ષના ખેડૂત કવનકુમાર મનહરભાઈ પટેલ મરચીની ખેતી કરે છે.
Krushi Mahiti તેના રોપા નાળિયેરના છોતરાથી બનતાં કોકોપીટમાં રોપીને 25 ટકા વધારે ઉત્પાદન મેળવી રહ્યા છે. વર્ષે 5 લાખ મરચીના છોડ પોતાના જ કોકોપીટની ટ્રે દ્વારા ધરુવાડિયામાં જાતે તૈયાર છે. તેઓ નર્સરી જાતે બનાવે છે. તેમાં 5 લાખ રોપા જાતે તૈયાર કરે છે. તે પણ કોકોપીટમાં ઉછેરે છે. જેનાથી ઉત્પાદનમાં 25 ટકા જેવો વધારો થાય છે. મરચાની ગુણવત્તા સારી હોવાથી 10 ટકા ઊંચો ભાવ મળે છે.
કવનકુમાર 36 વીઘામાં માત્ર મરચું વાવે છે. ખીજલપુરમાં 300 વીઘા જમીનમાં મરચાની ખેતી થાય છે. અહીં ભૂગર્ભ પાણી અને ખેતીની જમીન મરચી માટે અનુકૂળ છે.
મરચાં વિના મોળું ભોજન અને સુનો સંસાર માનવામાં આવે છે.
3 જાતની મરચીની ખેતી
કનવકુમારના પિતા મનહરભાઈ પહેલાં દેશી મરચી ઉગાડતા હતા. હવે તેમના પુત્ર 3 જાતની મરચીની ખેતી કરે છે. 12 વર્ષથી ખેતી મરચીની ખેતી કરે છે. પહેલા તમાકુ, ડાંગર, ઘઉં અને કેળ કરતા હતા. સમય બદલાતાં તમાકુના પાક સાથે ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ પણ વળ્યા છે. મરચીની બાગાયતી ખેતી દ્વારા ખેડૂતોએ વધુ આવક પણ ઊભી કરી છે.
35 વીઘામાં મરચી ઉગાડે છે. તેનો માલ સ્થાનિક વેપારીઓ ખેતર પરથી ખરીદીને રાજસ્થાન જયપુર, રાજકોટ જાય છે.
ઉગાવો
મરચીનું બિયારણ ઘણું મોંઘુ હોય છે, તેના એક એક બીની કિંમત હોય છે. તેથી તેનો 100 ટકા ઉગાવો થાય તો જ પરવડે છે. ધરુવાડિયું કે નર્સરીના છોડ કોકોપીટમાં જ વાવે છે. તેથી તેનો ઉગાવો – જર્મીનેશન 100 ટકા મળે છે. જો બીયામાં ખામી હોય તો જ 1 કે 2 ટકા બી નકામા જાય છે.
હિંમતનગર, અમદાવાદની તૈયાર નર્સરીમાંથી તેઓ મોંઘા રોપા ખરીદી કરતા નથી. જેની એક રોપાની કિંમત 4થી 5 રૂપિયા હોય છે. 24 ગુંઠાના એક વીઘામાં 10 હજાર રોપા આવે છે. રોપા વેચાતા લેવાથી મોંઘુ પડે છે. મોડેલ ફાર્મ માટે કંપનીઓ સંપર્ક કરે છે. પણ તેની ઓફર તેઓ સ્વીકારતા નથી. ડેમો તરીકે ઘણી કંપની કરે છે.સીડ્ઝ ન ઉગે તો તેની જવાબદારી કંપનીઓ લેતી નથી.
કોકોપીટનો ફાયદો
રોપ જમીનમાં તૈયાર કરવામાં આવે તો 30 દિવસમાં તૈયાર થઈ જાય છે. પણ કોટોપીટ ટ્રેમાં 45 દિવસ થાય છે. 50 ટકા વધારે સમય લે છે. 15 દિવસો ગયા પછી કોકોપીટના છોડને થોડો સૂર્ય તાપ આપે છે. પહેલા 15 દિવસ તાપ આપતાં નથી. જ્યારે રોપ તૈયાર થઈ જાય ત્યારે તેને રોપતા પહેલાં રોપને સુર્યના તાપ અને રાતના 24 કલાક ખુલ્લો રાખે છે.
કોકોપીટના રોપાની દાંડી કે થડ મજબૂત હોય છે. છોડના તંતુ મૂળ વધારે હોય છે. છોડાનો ઉછેર સારી રીતે થાય છે. કોકોપીટની ટ્રેમાં તૈયાર કરેલો છોડ જમીનમાં રોપ્યા પછી વધારે ઝડપથી મોટો થાય છે.
કોકોપીટથી ઉત્પાદન વધે
કોકોપીટથી ઉછેરેલા છોડનું ઉત્પાદન 25થી 30 ટકા સુધી વધારે મળે છે. કારણ કે છોડની રોગ પ્રતિકાર શક્તિ વધારે હોય છે. તેના તંતુમૂળ વધારે હોવાથી જમીનની અંદરના પોષક તત્વો વધારે લે છે. ખાતરનો પુરો ઉપયોગ તેના મૂળ કરે છે. તેથી ઉત્પાદન વધારે મળે છે. રોગ ઓછા આવે છે.
ગુણવત્તા સારી
કોકોપીટના રોપના મરચાની ગુણવત્તા સારી આવે છે. મરચાની ચમક – સાઈનીંગ સારી આવે છે. મરચું વાંકુ – વળતું નથી.
સીમલા મરચામાં ગોળ – રાઉન્ડ આકાર સારો મળે છે. સારી ગુણવત્તાના કારણે, સારા દેખાવના કારણે 10 ટકા ભાવ વધારે મળે છે. 10 ટકા વધારે ભાવ મળે તેમાંથી મજૂરી નીકળી જાય છે.
પીકાડોર જાત
પીકાડોર જાત 10 વીઘા વાવે છે. 900થી 1 હજાર મણ એક વીઘે પાકે છે. સામાન્ય રીતે 15થી 50 રૂપિયા કિલો વેચાય છે.
રાજકોટમાં પીકાડોર સૌથી વધારે જાય છે.
ઉમેગા જાત
ઉમેજા જાતનું મરચું 2 વીઘા વાવે છે. વિઘે 800થી 900 મણ પાકે છે. જે રાજસ્થાનમાં જાય છે.
કેપ્સીકમ- સીમલા
કેપ્સીકમ- સીમલા મરચીની ખેતી 25 વીઘામાં કરે છે. 1100 મણ પાકે છે. 1250 મણનું વિક્રમ ઉત્પાદન 4 વર્ષ પહેલાં 2020માં થયું હતું. સીજેન્ટા કંપનીનું ઈન્દ્રા જાત તેઓ વાપરે છે. 100 ગ્રામ એક વીઘો – 15 હજાર બી આવે. ચાઈના કંપની છે. ઘણી કંપનીઓ તેમના ખેતરમાં ડેમો કરવા તૈયાર થાય છે.
પેકીંગ
મરચું વેચવા જવું પડતું નથી. પાકા પૂંઠાના બોક્સ પેકીંગ કરે છે. જેમાં 28 કિલો ભરતી હોય છે. બજાર સુધી પહોંચતા 28 ભેજ ઉડે તેથી બોક્સમાં 200 ગ્રામ વધારે મરચા નાખે છે.
નિયંત્રણ
જીવાત નિયંત્રણ માટે જીવામૃત અને પેસ્ટીસાઈડ વાપરે છે. બેકટેરિયા જમીનમાં રહે તે રીતે લીલો પડવાસ કરે છે.
કોકોપીટ (Coco Peat)
કોકોપીટ એક કુદરતી ફાઇબર પાવડર છે, જે નાળિયેરના છોતરામાંથી બને છે. કોકોપીટ માટી અને છોડ માટે ખૂબ અસરકારક છે. તે છોડ અને ઝાડ માટે 100% કુદરતી માધ્યમ છે. કોકોપીટ બનાવ્યા બાદ તેનો ઉપયોગ એક વર્ષ કરતા પણ વધુ સમય માટે કરી શકાય છે.
કોકોપીટ બનાવવાની રીત
નાળિયેરના છોતરા – રેસાવાળી છાલને ચાર દિવસ તડકામાં સૂકવી તેના નાના ટુકડા કરી તેનો પાવડર બનાવે છે. ચાળીને ફાઈબરને અલગ કરી દેવામાં આવે છે. ભૂકામાં પાણી નાખી 2-3 કલાક રહેવા દેવામાં આવે છે. તેને નીચોવી પાણી કાઢી લેવું.
કોકોપીટના ફાયદા – વિશેષતા
કોકોપીટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, જસત અને મેગ્નેશિયમ છે. પાકેલા નારિયેળની બહારના તંતુમય છાલમાં ઘણા પ્રકારના આવશ્યક પોષક તત્વો જોવા મળે છે. જે છોડને વૃદ્ધિમાં ખૂબ મદદરૂપ થાય છે. છોડના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જમીનની ફળદ્રુપતા વધારે છે.
હલકું વજન હોવાથી કન્ટેનર માટે શ્રેષ્ઠ છે. કોકોપીટને માટીમાં ઉમેરવાથી ખૂબ હલ્કી બને છે. જમીન ખૂબ જ હળવી બને છે.
તેના વજનના આઠથી દસ ગણું પાણી સંગ્રહી શકે છે. ભેજનું ચોક્કસ નિયંત્રણ કરે છે. ભેજ રાખવાની ક્ષમતા અંકુરણ માટે આદર્શ વાતાવરણ બનાવે છે. કોકોપેટમાં પાણી શોષવાની ક્ષમતા વધારે છે. તેના કારણે ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
ઉત્તમ વાયુ મિશ્રણ ગુણધર્મ છે. છોડને ઓક્સિજન શોષવામાં મદદ કરે છે.
જમીનને કોમ્પેક્ટ થતી અટકાવે છે, જે મૂળને વધુ સારા વિકસાવે છે. છોડના મજબૂત મૂળ બને છે. છોડનું મૂળ સરળતાથી વિકસિત થાય છે. મૂળને વધવા માટે સરળ જગ્યા પૂરી પાડે છે.
બિયારણ 100 ટકા ઉગાડવા માટે ઉપયોગી. પાકની નિષ્ફળતાનું જોખમ ઘટે છે.
કુદરતી ફૂગ પ્રતિરોધી ગુણો હોય છે. જમીનથી થતા રોગોનું જોખમ ઘટાડે છે. પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ છે. રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકો ઓછા વાપરવા પડે છે. છોડના એકંદર આરોગ્ય અને વૃદ્ધિને વધારે છે. જંતુ રહિત પ્રકૃતિ ધરાવે છે. બેક્ટેરિયા અને ફૂગ થતા નથી. જમીનમાં બેક્ટેરિયા અને ફૂગને વિકસિત થવા દેતું નથી.
કોકોપીટ શ્રેષ્ઠ કાર્બનિક ખાતરોમાંનું એક છે. જમીન ધોવાણ નિયંત્રણ કરે છે. હાઇડ્રોપોનિક સિસ્ટમમાં ફાયદાકારક છે. બાયોડિગ્રેડેબલ છે. તટસ્થ pH 5.5 થી 6.5 ની વચ્ચે હોય છે.
કોકોપીટમાં ક્ષાર હોઈ શકે છે. અમુક પાક માટે સમસ્યારૂપ બની શકે છે. તેથી ધોવા જરૂરી છે.
કોકોપીટનું ઉત્પાદન
ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં નાળિયેરની ખેતી થાય છે. 21થી 22 કરોડ નાળિયેર પેદા થાય છે. જેમાંથી 50 ટકા નાળિયેર પાક થાય તો તેમાંથી 1 કરોડ કિલો છોતરા નિકળે જેમાંથી 50 લાખ કિલો કોકોપીટ નિકળી શકે. સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડમાં સૌથી વધારે નાળિયેરીના બગીચા છે. રાજ્યના 85 ટકા બગીચા સૌરાષ્ટ્રમાં છે. પણ દક્ષિણ ભારતથી કોકોપીટ આયાત વધારે થાય છે.
માટી 40%, કોકોપીટ 30% અને ગાયનું છાણ અથવા વર્મીકમ્પોસ્ટ 30% પણ કોકોપીટ સાથે મિશ્ર કરીને છોડ માટે વાપરી શકાય છે.
દક્ષિણ ભારતથી આયાત થતાં પાંચ કિલો કોકોપીટની કિંમત આશરે રૂ. 250થી 300 છે. જ્યારે બગાસમાંથી તૈયાર કરવા માટે પ્રતિ કિલો માત્ર ચાર-પાંચ રૂપિયાનો ખર્ચ થાય છે.
બગાસ સસ્તું
સરદાર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય મહેસાણાના જગુદણ શાકભાજી સંશોધન કેન્દ્રના બીજ મસાલા સંશોધન કેન્દ્ર ર્ડા. ડી.બી.પ્રજાપતિ, પ્રો. એ.એમ.અમીન, ર્ડા. બી.જી. પ્રજાપતિ અને પ્રો.કે. પી. પટેલ દ્વારા મરચા અંગે ઘણા સંશોધનો કર્યા છે. કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા અખિલ ભારતીય સંકલિત મસાલા સંશોધન યોજના અંતર્ગત દેશભરમાં 70 સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. જેમાં જગુદણ શ્રેષ્ઠ છે.
કોકોપીટના સ્થાને કૃષિ વૈજ્ઞાનિકોએ સસ્તો અને સરળ વિકલ્પ શોધી કાઢ્યો છે. ઉત્તર પ્રદેશ સુગરકેન રિસર્ચ કાઉન્સિલ, શાહજહાંપુર વૈજ્ઞાનિકોએ કોકોપીટની જગ્યાએ શેરડીના કુચા – બગાસનો ઉપયોગ કર્યો છે. તેના સારા પરિણામો મળ્યા છે. શેરડી રિસર્ચ કાઉન્સિલ માને છે કે, કોકોપીટ ખૂબ ખર્ચાળ છે પણ શેરડીના કુચા સાવ સસ્તાં છે. બગાસ ભૂકો 30 ટકા, વર્મી કમ્પોસ્ટ 30 ટકા અને માટી 40 ટકાના મિશ્રણને ભેળવીને તેને તૈયાર કર્યું છે. શેરડીની નર્સરીમાં બગાસનો ભૂકો વાપરવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં શેરડીની બગાસ નજીકમાં સરળતાથી મળે છે, જ્યારે કોકોપેટ દક્ષિણના રાજ્યોમાંથી આયાત કરવી પડે છે. બન્નેમાં રોપ તૈયાર કરવાનો સરખો સમય લાગે છે.
લીલા મરચા
ગુજરાતમાં લીલા અને સૂકા મરચાની ખેતી સરખા વિસ્તારમાં થાય છે.
ગુજરાતમાં 33થી 35 હજાર હેક્ટર વાવેતર થાય જેમાં લીલા મરચાનું ઉત્પાદન 1 લાખ 40 ટન થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મુખ્યત્વે લીલા મરચાનું ઉત્પાદન લેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાંથી રૂ. 35 કરોડના સુકા મરચાંની નિકાસ થાય છે. કુલ નિકાસ પૈકી 20 ટકા લીલા મરચાની આયાત થાઈલેન્ડ કરે છે. 150થી 200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ કરી શકાય છે.
કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે ગુજરાતમાં લીલા ધોલર, લવિંગિયા, રેશમ પટ્ટી મરચા 40થી 50 હજાર હેક્ટર વાવેતર થાય છે. લીલા મરચાના કારણે અથાણું, ચટણીની નિકાસથી રૂ.250થી 300 કરોડની નિકાસ થાય છે.
મરચીની ખેતીનો વેપાર
આજે મરચાની પેદાશમાં ભારત સૌથી મોખરે છે. ભારતમાં મરચાનું વાર્ષિક ઉત્પાદન 80 હજાર ટન છે, નિકાસ 25 હજાર ટન છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ મરચામાં આગળ છે. ગુજરાતમાં સૂકા મરચીની ખેતી 14 હજાર હેક્ટર અને ઉત્પાદન 30 હજાર ટન થાય છે. રાજકોટના ગોંડલમાં 10 હજાર ટન અને 3 હજાર હેક્ટર જમીનમાં સૌથી વધારે મચચા થાય છે. તાપી, દાહોદ, મહેસાણા સુરેન્દ્રનગરમાં સૂકા અને લીલા મરચા સારા થાય છે. આણંદમાં સૂકા મરચા થતાં નથી પણ ખેડામાં 44 હેક્ટરમાં જ સૂકા મરચા પાકે છે.
ભારતની સરેરાશ ઉત્પાદકતા 2400 કિલોની છે. ગુજરાતના ખેડૂતો 1900-2000 કિલો ઉત્પાદન એક હેક્ટરે કરે છે. આમ એક હેક્ટરે ગુજરાતના ખેડૂતોને 500 કિલોની ખોટ જાય છે.
ભારતમાં મરચાંનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશ 26% સાથે આગળ છે. મહારાષ્ટ્ર 15%, કર્ણાટક 11%, ઓરિસ્સા 11%, મધ્યપ્રદેશ 7%, ગુજરાત 2% અને બીજા રાજ્યો 20% ઉત્પાદન ધરાવે છે.
ભારતમાંથી 90 દેશોમાં લીલા, લાલ અને સુકા મરચાની નિકાસ થાય છે. બાંગ્લાદેશ, બહેરીન, કેનેડા, ઈટલી, ઈઝરાયેલ, જાપાન, મલેશિયા, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, સ્પેન, શ્રીલંકા,સાઉદી અરેબિયા, અમેરિકા અને યુએઈમાં મરચૂ જાય છે.
વિશ્વમાં ગુજરાતના ખેડૂતો
વિશ્વમાં ચીનના ખેડૂતો 6820 કિલો મરચા હેક્ટરે પેદા કરે છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. ગુજરાત કરતાં પાકિસ્તાનના ખેડૂતો વધુ મરચા પેદા કરે છે. આંધ્ર પ્રદેશના ખેડૂતો 2017 પ્રમાણે હેક્ટર દીઠ 4580 કિલો મરચા પેદા કર્યા હતા.
ગુજરાતના ખેડૂતો વિશ્વ કક્ષાએ અને ભારત કક્ષાએ અત્યંત પાછળ છે. ગુજરાતના ખેડૂતોને સારા બિયારણ આપવામાં 4 કૃષિ વિશ્વવિદ્યાલય વિજ્ઞાનીઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો દેશના ખેડૂતો સામે ટકી રહેવું હોય તો આંધ્ર પ્રદેશનું બિયારણ લાવીને ઉગાડવું જોઈએ.
ગુજરાતમાં 50 હજાર જેટલા ખેડૂતો વર્ષે રૂપિયા 200-300 કરોડનું મરચું પેદા કરે છે. જોકે શાકભાજીમાં વપરાતા લીલા મરચા સાથે કુલ ઉત્પાદન તો ઘણું વધારે થાય છે. સૂકા મરચા માટે ખેડૂતોએ 5 મહિના મહેનત કરવી પડે છે. 20 કિલો લીલા મરચામાંથી 3 કિલો લાલ મરચા બને છે. તેનો પાઉડર બનાવીને ઉદ્યોગપતિઓ વેચે છે.
અરવલ્લી જિલ્લામાં 700 વીઘામાં કેપ્સીકમ મરચાનું વાવેતર થાય છે.
જૂનમાં રોપણી
જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં લીલો પડવાશ કરી વાવેતર કરાય છે. શિયાળામાં ઓકટોબર અને ઉનાળામાં જાન્યુઆરી-ફેબુઆરીમાં વાવેતર થાય છે. ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી. વીઘે રૂ.50થી 60 હજારનો તમામ ખર્ચ મરચી પાછળ થાય છે. ખેડૂતને એક કિલોના 25 મળે છે જ્યારે વેપારીઓને 75 રૂપિયા કિલો મળે છે.
ખાતર – રોગ
રાસાયણિક ખાતર: 50:50:50 ના.ફો.પો. કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. 25 કિલો એક હેક્ટરે નાઈટ્રોજન, ફેરરો૫ણીના એક મહિના ૫છી પૂર્તિ ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન 25 કિ/હે, ફેરરો૫ણીના 50 દિવસે આ૫વું. બોરોન આપવાથી એસ્કોર્બિક એસિડ, કેપ્સેસિન અને કલોરોફીલ વધે છે. પોટેશિયમ અને જસતની પૂર્તિ એકસાથે કરવામાં આવે તો ઉત્પાદનમાં વિશેષ ફાયદો થાય છે. પ્રતિ હેકટરે દેશી ખાતર 20 ટન આપવું.
મરચીમાં કોકડવા થયેલ છોડનો ઉપાડીને નાશ કરવો. કોકડવા સફેદમાખી વડે ફેલાતો રોગ છે. તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ 10 મિ.લી. દવાનો 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરાય છે.
ઇન્ડોનેશિયાની મરચીની નવી કાળી થ્રીપ્સ જીવાતથી મરચીના ઉત્પાદનમાં 23%જેટલો ઘટાડો થતો જોવા મળ્યો છે.
ઇતિહાસ
વિશ્વમાં 200 પ્રકારના મરચાં પાકે છે.
પોર્ટુગલથી ભારતને શોધવા નીકળેલો ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચે છે, ત્યારે અમેરિકા ખંડની સાથે તીખાં મરચાં જોયા હતા. ઇસુના જન્મના 5000 વર્ષ પૂર્વે મેક્સિકોમાં મરચીની ખેતી કરવામાં આવતી હતી. આ મરચાને કોલંબસે જ પ્રસિદ્ધિ અપાવી છે. મેક્સિકોમાં 100થી વધુ જાતના મરચાની ખેતી થાય છે. 12 ઇંચથી પોણો ઇંચના મરચા પાકે છે. મેક્સિકન પ્રજા તીખામાં તીખાં મરચાં આરોગે છે. ભારત આવનારી પોર્ટુગલ પ્રજાની સાથે જ લાલ-લીલાં મરચાં પણ ભારતમાં પગ પેસારો કરી દીધો.
કેપસેઇન – તીખાશ
લાલ, લીલા, પીળા, કેસરી, ઘેરા કાળા અને મરુન રંગનાં મરચાં પાકે છે. કદ પ્રમાણે તીખાશમાં ફેરફાર થાય છે. કેપસેઇન નામના આલ્કલોઇડ તત્ત્વને કારણે તિખાશ હોય છે.
કૈપ્સાઈસિન માણસને લાંબા સમય સુધી જીવંત રાખવામાં સહાયક છે. શરીરમાં તાપમાનનું સંતુલન જાળવનાર કોશિકાઓના સંપર્કમાં આવે છે અને મગજને ગરમી મહસૂસ કરવાના સંદેશા આપે છે. શરીરમાં ઊર્જાનું સ્તર વધારે છે, જેનો આપણું શરીર કોઈને કોઈ કામ દરમિયાન ઉપયોગ કરે છે. ભૂખ પણ ઘટાડે છે.
ભારતીય મરચામાં ઘેરા જાંબુડી રંગના રેડ બર્ડ્સ-આઇ ચિલી – તેજસ્વિન સૌથી તીખાં ગણાય છે. તીખાશ જીભ અને મોઢામાં ઝમઝમાટ લાવી દે છે. ફત્તેર સુરતી મરચાં પણ તીખાં જ હોય છે. રેશમપટ્ટી મરચાં ગુજરાતી રસોડામાં લોકપ્રિય છે. દુનિયાના સૌથી તીખા મરચાનું નામ ભુત જોલકીયા છે. 2007માં તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં તેને સામેલ પણ કરાયું છે.
તીખાસમાં ડ્રેગન્સ બ્રેથ ચિલી બીજા ક્રમે છે. બ્રિટનમાં તેની ખેતી થાય છે. તેની તીખાસ 2.48 મિલિયન સ્કોવિલે એકમ સુધી માપવામાં આવી છે, જે સામાન્ય મરચાં કરતાં લગભગ 2000 ગણી વધારે છે.
આરોગ્ય
દરરોજ મરચા ખાનાર વ્યક્તિની ઉંમર વધુ હોય છે. મરચા વાળુ ભોજન લેવાથી મેટાબોલિક એક્ટિવિટી એટલે કે ભોજન પચાવાની ક્રિયા દુરસ્ત રહે છે. કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે જેનાથી હૃદયની બીમારીની આશંકા પણ ઘટે છે. સ્થૂળતાની સમસ્યા દૂર કરે છે અને હાઇ બ્લડપ્રેશર વાળા માટે પણ સહાયક છે.
નુકસાન
મરચાંનું વધુ પ્રમાણમાં ખાય છે તેમનું મગજ વધુ ઝડપથી કામ નથી કરતું. દરરોજ 50 ગ્રામ મરચાં ખાય છે તેમના માટે યાદશક્તિ માટે ખતરો વધુ છે. દવા તરીકે મરચું ન વાપરવા સલાહ આપવામાં આવે છે.
એસિડિટી
તીખાશના કારણે એસિડિટી થાય છે. તીખા સ્વાદના મરચામાં પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ગુણ પણ છે. અનેક ગણું વિટામિન સી લીલા મરચામાં મળે છે. ફોલિક એસિડ ખોરાકને પચાવે છે. રક્તવૃદ્ધિકર અને પાચક છે. માંકડનો નાશ કરવા, કૂતરું કે સાપ-વીંછીનો ડંખ જે જગ્યા પર હોય ત્યાં મરચાની ભૂકી ભરવાથી ઝેર બાળીને જખમ રૂઝવે છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે, મરચાં ખાવાથી ઊંઘ સારી આવે છે અને હૃદય પણ તંદુરસ્ત રહે છે.
કેપ્સીકમ એક દવા
કેપ્સિકમ ખાવાથી શરીરમાંથી એન્ડારફિન્સ નામના રસાયણનો સ્ત્રાવ થાય છે, કુદરતી પીડાશામક તત્વ વધે છે. નેચરલ પેઇન કિલર તરીકે કામ કરે છે. રૂટીન નામનું તત્ત્વ પણ છે. પેનિસિલીન ઇન્જેક્શનની આડ અસરમાં ફાયદો, લાલ મરચાંને કોપરેલમાં ઉકાળીને વાળમાં ઘસવાથી ખરતાં અટકે છે. ટિયરગેસ બની શકે છે. મરચું ખવાઈ જાય તો પાણી ન પીવું જોઈએ. મીઠું, દૂધ, દહીં તથા કાકડી ખાવી. મરચાંમાં રહેલું કેપ્સેસિન તત્વ શરીરના દુખાવામાં રાહત આપે છે. વિશ્વની સૌથી તીખી જાત ભૂત જોલેકિયામાંથી દર્દશામક દવા બને છે. મરચાનો રંગ અલગ કરીને તેનો ઉપયોગ થાય છે. મરચાથી લોહીની ઉણપમાં ફાયદો. શરીરમાં કફ અને વાયુનો નાશ થાય છે. પેટમાં દુખાવામાં રાહત. મરચામાં વિટામીન એ, સી, ફોસ્ફરસ તથા કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. સાંધાનો દુ:ખાવો દૂર કરવામાં પણ મરચાં ઉપયોગી નીવડે છે