સમગ્ર વલસાડ જિલ્લામાં (Valsad District) સાર્વત્રિક મેઘમહેરથી પાણી જ પાણી થઈ ગયું છે. છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસી રહેલા વરસાદથી નદી-નાળાં અને ચેકડેમ ઓવરફ્લો (Check dam Overflow) થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જિલ્લાના ઉમરગામ અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર કપરાડામાં 4-4 ઈંચ સાથે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. ધરમપુરમાં 3 અને વલસાડ-વાપીમાં પણ મેઘાની બેટિંગ 2-2 ઈંચ સાથે અવિરત રહી હતી.વલસાડ ડિઝાસ્ટર કચેરીનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સતત રાત-દિવસ અવિરત વરસી રહ્યા છે. મેઘાની ધમાકેદાર બીજી ઇનિંગ્સથી સમગ્ર વલસાડ જિલ્લો પાણીથી તરબતર થઈ ગયો છે. સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી (Rain Water) ભરાઈ જતાં જનજીવનને અસર પહોંચી છે. જિલ્લામાં સતત પડી રહેલા વરસાદી ઝાપટાંથી તકલાદી પાકા રસ્તા ધોવાઈ ગયા છે. મસમોટા ખાડાથી વાહનચાલકો અને રાહદારીઓ તોબા તોબા પોકારી ઊઠ્યા છે, છતાં પણ નગરોળ વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી.
- 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
- ઉમરગામ : 105 મીમી
- કપરાડા : 103 મીમી
- ધરમપુર : 73 મીમી
- પારડી : 33 મીમી
- વલસાડ : 50 મીમી
- વાપી : 44 મીમી