ઉ.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર ડીસા શહેરમાં ઠંડી અડધો ડિગ્રી વધી હતી. જ્યારે મહેસાણા સહિત બાકીના ચારેય શહેરોમાં ઠંડીનું પ્રમાણ 2 ડિગ્રી સુધી ઘટ્યું હોવા છતાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાઇ હતી. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં ઠંડીમાં ભારે વધઘટ જોવા મળશે. જે મુજબ જેટલી ઠંડી ઘટશે એટલી જ ઠંડી વધશે. રવિવારે મહેસાણામાં 12.5, પાટણમાં 11.6, ડીસામાં 9.2, ઇડરમાં 10.9 અને મોડાસામાં 12.7 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી સોમવારે વેસ્ટન ડિસ્ટબન્સ પસાર થનારું છે. જેની અસર તળે મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતા પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી 48 કલાક એટલે કે સોમવાર બપોરથી બુધવાર બપોર સુધી ઠંડી 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. સિસ્ટમ દૂર થતાં ફરી એક વાર ઠંડી 2 થી 3 ડિગ્રી વધશે. બીજી બાજુ મોસમ નિષ્ણાંતોના મત મુજબ, આગામી 15 ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાતને અસર કરતી એક વેસ્ટન ડિસ્ટબન્સ તૈયાર થવાની શકયતા પ્રબળ બની રહી છે. જો આ સિસ્ટમ સક્રિય થશે તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં જેવા વાદળો બંધાય છે તેવું વરસાદી વાતાવરણ તૈયાર થશે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. તેમજ આ કમોસમી વરસાદ કેટલાક સ્થળોએ અડધા ઇંચ સુધીનો હોઈ શકે છે.