Surat: પાંચથી વધુ અજાણ્યા ઈસમો દ્વારા યુવક પર હુમલો કરાયો, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ
સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર પાંચ ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ની સાથે જ એસીપી સહીત પુણા તથા સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવવામાં યુવકને કોઈપણ પ્રકારની ઇજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા. જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પુણા કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો ત્યારે ચારથી પાંચ અજાણ્યા ઈસમો અચાનક જ તેમની પાસે આવ્યા હતા અને યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે યુવક બચી ગયો હતો. ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી.
ફાયરીંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. યુવક પર ફાયરિંગ કર્યા બાદ પાંચેય ઈસમો પૈકી બે ઈસમો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી તથા પુણા પીઆઇ અને ડીસ્ટાફ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવમાં પ્રાથમિક જાણકારી પ્રમાણે સમ્રાટ ભરવાડ અને સોલંકી નામના યુવક સાથે એક મહિલા બાબતે વિવાદ થયો હતો જે સંદર્ભમાં સોલંકી એ ફોન કરીને ભરવાડને ધમકી આપી હતી અને ઉપરોક્ત સ્થળ ભરવાડે બોલાવ્યો હતો. બંને વચ્ચે પહેલા છુટા હાથને મારામારી થઈ હતી અને ત્યાર પછી સોલંકીએ ફાયરિંગ કરી ભાગી છૂટ્યો હતો આ સમગ્ર પ્રકરણમાં વર્ષા નામની મહિલા નું નામ બહાર આવવા પામ્યું છે અને તેની પર તપાસ હવે કેન્દ્રિત કરવામાં આવશે.