મહિલા સફાઈ કર્મચારીઓ પાસે માસિક ધર્મનો પુરાવો માગવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં મહિલા સફાઈ કર્મચારીઓ પાસે માસિક ધર્મનો પુરાવો માગવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શુક્રવારે જસ્ટિસ બીવી નાગરત્ના અને મહાદેવનની બેન્ચે અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે માસિક ધર્મ સંબંધિત એક અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં મહિલા સફાઈ કર્મચારીઓને તેમના ખાનગી અંગોની તસવીરો બતાવીને તે સાબિત કરવા માટે કહેવામાં આવ્યું હતું કે તેમને માસિક ધર્મ ચાલી રહ્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને મહાદેવનની બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
જસ્ટિસ નાગરત્નાએ સુનાવણી દરમિયાન સખ્ત ટિપ્પણી કરતા કહ્યું કે “આ માનસિકતાને દર્શાવે છે.” તેમણે કહ્યું, “કર્ણાટકમાં તેઓ માસિક ધર્મ માટે રજા આપી રહ્યા છે. આ વાંચ્યા પછી મેં વિચાર્યું કે શું તેઓ રજા આપવા માટે પણ પુરાવા માંગશે? આ લોકોની માનસિકતા દર્શાવે છે. જો તેમની ગેરહાજરીને કારણે કોઈ ભારે કામ ન થઈ શક્યું હોય, તો અન્ય કોઈને તૈનાત કરી શકાયું હોત.” જસ્ટિસે આગળ કહ્યું કે અમને આશા છે કે આ અરજીથી કંઈક સારું થશે.
બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું ગંભીર મામલો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું છે કે આ એક ગંભીર ગુનાહિત મામલો છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કોર્ટે અરજી પર આગામી સુનાવણી માટે ૧૫ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. અરજીમાં કથિત ઘટનાની વિગતવાર તપાસ કરવા અને કેન્દ્ર તેમજ હરિયાણાને નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી છે.
ત્રણ લોકો પર FIR
બાર નિકાયે એ સુનિશ્ચિત કરવા માટે દિશાનિર્દેશોની માંગ પણ કરી છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થ્ય, સન્માન, શારીરિક સ્વાયત્તતા અને ખાનગીપણાના અધિકારનું ઉલ્લંઘન ન થાય.
ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે આ મામલે યુનિવર્સિટી સાથે જોડાયેલા ત્રણ લોકો પર ૩૧ ઓક્ટોબરના રોજ જાતીય સતામણી (Sexual Harassment)નો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે તેમણે મહિલા સફાઈ કર્મચારીઓ પાસે તેમના ખાનગી અંગોની તસવીરો બતાવીને તે સાબિત કરવા માટે કહ્યું હતું કે તેઓ માસિક ધર્મમાંથી પસાર થઈ રહી છે.
ઘટના અંગે યુનિવર્સિટીનું શું કહેવું છે?
આ અંગે યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઘટનાની માહિતી સામે આવ્યા બાદ વહીવટીતંત્રે હરિયાણા કૌશલ રોજગાર નિગમ લિમિટેડ દ્વારા કરાર પર નિયુક્ત કરાયેલા બે સુપરવાઇઝરને સસ્પેન્ડ કરી દીધા છે અને ઘટનાની આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના ૨૬ ઓક્ટોબરે હરિયાણાના રાજ્યપાલ અસીમ કુમાર ઘોષના યુનિવર્સિટીની મુલાકાત લેવાના થોડા કલાકો પહેલા બની હતી.
જે ત્રણ મહિલા સફાઈ કર્મચારીઓ પાસેથી માસિક ધર્મના પુરાવા માંગવામાં આવ્યા હતા, તેમણે યુનિવર્સિટી પ્રશાસનને તેની ફરિયાદ આપી. તેમણે આરોપ લગાવ્યો છે કે અસ્વસ્થ હોવાની જાણકારી આપવા છતાં બે સુપરવાઇઝરે પહેલા તેમને કેમ્પસમાં સફાઈ કરવા માટે મજબૂર કર્યા અને પછી તેમને તે સાબિત કરવા માટે કહ્યું કે તેઓ માસિક ધર્મમાંથી પસાર થઈ રહી છે.

