સંસદનું બજેટ સત્ર ૨૦૨૬: સાંસદોની હાજરી ફરજિયાત, ઓનલાઇન જોડાવાની કોઈ જોગવાઈ નથી
સંસદનું બજેટ સત્ર ૨૦૨૬ શરૂ થઈ ચૂક્યું છે અને આ વખતે સાંસદોની હાજરી અંગેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં સાંસદોએ શારીરિક રીતે હાજર રહેવું અનિવાર્ય છે. આ વર્ષથી ડિજિટલ અને બાયોમેટ્રિક હાજરી પ્રણાલી લાગુ કરવામાં આવી છે, જેનાથી ગૃહની સક્રિય ભાગીદારી અને પારદર્શિતા સુનિશ્ચિત થશે.
ઓનલાઇન જોડાવાની કોઈ સુવિધા નથી
તાજેતરમાં પંજાબની ખડૂર સાહિબ બેઠકના લોકસભા સાંસદ અમૃતપાલ સિંહ, જે જેલમાં છે, તેમણે સંસદ સત્રમાં હાજર રહેવા માટે પેરોલની માંગ કરી હતી. આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું સાંસદ ઓનલાઇન સત્રમાં જોડાઈ શકે છે?
સોલિસિટર જનરલ (SSG) સત્યપાલ જૈને કોર્ટને જણાવ્યું કે સંસદની નિયમાવલીમાં ઓનલાઇન, વર્ચ્યુઅલ, હાઇબ્રિડ કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સત્રમાં જોડાવાની કોઈ જોગવાઈ નથી. કોવિડ-19 દરમિયાન સંસદીય સમિતિઓની બેઠકો ઓનલાઇન થઈ હતી, પરંતુ સંસદના મુખ્ય સત્રો માટે આવો કોઈ નિયમ નથી.
હાજરી, ભથ્થું અને પગાર પર અસર
સંસદમાં નિયમિત હાજરી સાંસદો માટે ફરજિયાત છે. ગેરહાજર રહેવાના કિસ્સામાં નીચે મુજબની અસરો થઈ શકે છે:
- દૈનિક ભથ્થું: જે દિવસે સાંસદ ગેરહાજર હોય તે દિવસનું દૈનિક ભથ્થું કાપી લેવામાં આવશે.
- સભ્યપદ રદ: જો કોઈ સાંસદ પૂર્વ પરવાનગી વિના સતત ૬૦ દિવસ સુધી ગેરહાજર રહે, તો તેનું સભ્યપદ રદ થઈ શકે છે. આ નિયમ લોકસભામાં બંધારણની કલમ ૧૦૧(૪) અને વિધાનસભામાં કલમ ૧૯૦(૪) હેઠળ લાગુ પડે છે.મોડા
- આવવું: જો કોઈ સાંસદ ગૃહમાં મોડો આવે અને તે પહેલાં ગૃહ સ્થગિત થઈ જાય, તો તેને પણ તે દિવસ માટે ગેરહાજર માનવામાં આવશે.
૨૦૨૬માં બાયોમેટ્રિક હાજરી ફરજિયાત
આ વર્ષથી પરંપરાગત રજિસ્ટર પર સહી કરીને હાજરી પૂરવાની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.
- ડિજિટલ સિસ્ટમ: હવે સાંસદોએ પોતાની સીટ પર જઈને બાયોમેટ્રિક, સ્માર્ટ આઈ-કાર્ડ અથવા PIN દ્વારા હાજરી નોંધાવવી પડશે.
- લોકસભા વિ. રાજ્યસભા: લોકસભામાં આ વ્યવસ્થા સંપૂર્ણ રીતે લાગુ થઈ ગઈ છે, જ્યારે રાજ્યસભામાં હાલમાં હાજરી રજિસ્ટર પર સહી કરીને લેવામાં આવી રહી છે.
- VIP હાજરી: મંત્રીઓ, વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ તે જ રજિસ્ટર અથવા ડિજિટલ સિસ્ટમ પર હાજરી નોંધાવશે.
સંસદની આ નવી પ્રણાલી ગૃહની ગરિમા જાળવવા અને સાંસદોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી છે.

