વલસાડ સિટી મેરેથોન: સ્વાસ્થ્યના સાદ પર 1700 રનર્સની દોડ
વલસાડના નાગરિકોમાં છેલ્લા 10 વર્ષથી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાના ઉમદા હેતુ સાથે યોજાતી મેરેથોનની પરંપરા આજે પણ અકબંધ રહી હતી. આજે ‘વલસાડ રેસર્સ ગ્રુપ’ દ્વારા આયોજિત ‘રોટરી વલસાડ સિટી મેરેથોન’ની 10મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતાના પ્રતિક સમાન આ દોડમાં આશરે 1700 જેટલા સ્વાસ્થ્ય પ્રેમી દોડવીરોએ ભાગ લીધો હતો. દોડવીરો માટે 5 કિ.મી., 10 કિ.મી., હાફ મેરેથોન (21.1 કિ.મી.) અને 30 કિ.મી. જેવી અલગ-અલગ કેટેગરીઓ રાખવામાં આવી હતી. મેરેથોનનો પ્રારંભ સવારે 6:00 વાગ્યે શાંતિ રિસોર્ટ ખાતેથી કરવામાં આવ્યો હતો. રાજ્યભરના તેમજ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી પણ દોડવીરો ખાસ આ મેરેથોનમાં ભાગ લેવા વલસાડ આવ્યા હતા. મેરેથોનમાં સરકારી અધિકારીઓ, તબીબો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, પત્રકારો તેમજ શાળાના બાળકો સહિત શહેરના તમામ વર્ગના લોકોએ સાથે મળીને દોડીને એકતા અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો.
છેલ્લા એક દાયકાથી ચાલી આવતી આ સ્વાસ્થ્ય ઝુંબેશ અને મેરેથોનના 10મી આવૃત્તિના સફળ આયોજન બદલ આયોજકોને શહેરભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.