૩૭ આંગણવાડી કેન્દ્રોની સંભાળથી લઈને પોષણ અને મહિલા સશક્તિકરણ સુધી, આનંદીબેનની પ્રેરણાદાયી સફર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ સેજામાં ફરજ બજાવતા સુપરવાઈઝર આનંદીબેન બી. પટેલે પોતાની કાર્યનિષ્ઠા અને સેવાની સુવાસથી સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ૧૯૮૮માં એક સામાન્ય આંગણવાડી કાર્યકર તરીકે શીંગા ગામથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની મહેનત અને બાળકો પ્રત્યેના લગાવને કારણે વર્ષ ૨૦૧૦માં તેઓ આઈ.સી.ડી.એસ. (ICDS) યોજનામાં સુપરવાઈઝર તરીકે બઢતી પામ્યા હતા. આજે તેઓ ૩૭ આંગણવાડી કેન્દ્રોની જવાબદારી સંભાળી રહ્યા છે અને હજારો બાળકો તથા મહિલાઓના જીવનમાં પોષણ અને શિક્ષણનો ઉજાસ ફેલાવી રહ્યા છે.
કુપોષણ મુક્ત અભિયાન અને મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર પ્રદાન
આનંદીબેને સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને અતિકુપોષિત બાળકોનો દર ઘટાડવા માટે તેમણે ઘનિષ્ઠ પોષણ અભિયાન ચલાવ્યું છે. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અને ‘હેત પ્રોજેક્ટ’ હેઠળ અતિ ઓછા વજનવાળા બાળકોને પૌષ્ટિક લાડુના વિતરણનું ૧૦૦% અમલીકરણ તેમણે સુનિશ્ચિત કર્યું છે. આ ઉપરાંત, તેમણે અંદાજે ૨૦૦ જેટલા નવા સખીમંડળોની રચના કરીને ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું કામ કર્યું છે, જે મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે પાયાનું પગલું સાબિત થયું છે.
લોકભાગીદારી દ્વારા આંગણવાડીઓને સુવિધા સજ્જ બનાવવાની પહેલ
માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે આનંદીબેને લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી છે. તેમણે ઉદાર દિલના દાતાઓ પાસે ગરીબ બાળકોને દત્તક અપાવીને તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી છે. લોકફાળાના માધ્યમથી આંગણવાડીઓમાં સીલિંગ ફેન, બાળકો માટે સ્કૂલ બેગ, વોટર બોટલ, ખુરશીઓ તેમજ સ્વેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. તેમની આ નવતર કાર્યશૈલીને કારણે આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર ન રહેતા બાળકો માટે રમત-ગમત અને શિક્ષણનું શ્રેષ્ઠ સ્થાન બની છે.
રાજ્ય સરકાર દ્વારા ‘માતા યશોદા એવોર્ડ’ થી વિશેષ સન્માન
આનંદીબેન પટેલની વર્ષોની નિષ્ઠાપૂર્વકની કામગીરીની કદરરૂપે ગુજરાત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમને એવોર્ડ શીલ્ડ, પ્રશસ્તિપત્ર અને ૬૧,૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. કિશોરીઓ માટેની ‘પૂર્ણા શક્તિ’ યોજના હોય કે ‘પા પા પગલી’ પ્રોજેક્ટ, આનંદીબેને દરેક ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીને આધુનિક કાર્યશૈલી અપનાવી છે. તેમનું આ સન્માન અન્ય આંગણવાડી કાર્યકરો અને સુપરવાઈઝરો માટે સેવાનું ભાથું પૂરું પાડશે.
