મિયામી ઓપન: સેમીફાઈનલમાં સબાલેન્કા અને રાયબાકીના વચ્ચે જામશે જંગ
દુનિયાની નંબર વન ટેનિસ ખેલાડી એરિના સબાલેન્કા અને બીજા નંબરની ખેલાડી એલેના રાયબાકીનાએ બુધવારે મિયામી ઓપનમાં પોતપોતાની મેચો જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આ બંને દિગ્ગજ ખેલાડીઓ ફાઈનલમાં જગ્યા બનાવવા માટે આમને-સામને ટકરાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન સબાલેન્કાએ ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકાની હેલી બેપ્ટિસ્ટને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવી હતી. જોકે, બેપ્ટિસ્ટ જે પોતાનું પ્રથમ WTA 1000 ક્વાર્ટર ફાઈનલ રમી રહી હતી, તેણે સબાલેન્કાને સારી લડત આપી હતી. મેચની શરૂઆતમાં બેપ્ટિસ્ટ પાસે બ્રેક પોઈન્ટની તક હતી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. આખરે સબાલેન્કાએ પ્રથમ સેટ જીત્યો અને બીજા સેટમાં પણ દબાણ જાળવી રાખીને જીત મેળવી હતી. સબાલેન્કાએ મેચ બાદ બેપ્ટિસ્ટના વખાણ કરતા કહ્યું કે તેની રમતની લય અને શોટ્સની તાકાત અવિશ્વસનીય હતી.
રાયબાકીનાની શાનદાર વાપસી
બીજી તરફ, એલેના રાયબાકીનાએ અમેરિકાની જેસિકા પેગુલા સામે સંઘર્ષપૂર્ણ જીત મેળવી હતી. પેગુલાએ મેચની શરૂઆત શાનદાર કરી હતી અને પ્રથમ સેટ 6-2થી જીતી લીધો હતો. જોકે, રાયબાકીનાએ બીજા સેટથી લય પકડી અને મેચને ત્રીજા સેટ સુધી ખેંચી ગઈ હતી. અંતે રાયબાકીનાએ 2-6, 6-3, 6-4 થી મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી. રાયબાકીનાએ સ્વીકાર્યું કે શરૂઆતમાં તે થોડી નિરાશ થઈ ગઈ હતી, પરંતુ ધીરજ રાખીને તેણે વાપસી કરી હતી.
પુરુષ વિભાગ: જીરી લેહેકાની આગેકૂચ
પુરુષોના ડ્રોમાં, ચેક રિપબ્લિકના 21મી વરિયતા પ્રાપ્ત ખેલાડી જીરી લેહેકાએ સ્પેનના ક્વોલિફાયર ખેલાડી માર્ટિન લેન્ડાલૂસના સફરનો અંત આણ્યો હતો. લેહેકાએ આ મેચ 7-6 (7/1), 7-5 થી જીતી લીધી હતી.
20 વર્ષીય લેન્ડાલૂસે પ્રથમ સેટમાં લેહેકાને જોરદાર લડત આપી હતી અને ટાઈબ્રેકર સુધી મેચ ખેંચાઈ હતી. જોકે, લેહેકાએ પોતાના અનુભવનો ઉપયોગ કરી ટાઈબ્રેકરમાં પ્રભુત્વ જમાવ્યું અને બીજા સેટના અંતિમ ગેમમાં સર્વિસ બ્રેક કરીને જીત પાકી કરી હતી. લેહેકાએ જણાવ્યું કે એવા ખેલાડી સામે રમવું અઘરું હોય છે જેની પાસે ગુમાવવા માટે કંઈ ન હોય.

