‘હર ઘર સ્વદેશી, લોકલ ફોર વોકલ’ના સૂત્ર સાથે હિંમતનગરમાં 11 થી 20 ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળાનું આયોજન
હિંમતનગર શહેરના આંગણે લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરવા માટે ‘સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ 2026’નો ધમાકેદાર પ્રારંભ થયો છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ રીબીન કાપીને આ મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. 11 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ચાલનારો આ મેળો સાબરકાંઠાના સ્થાનિક કલાકારો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે આર્થિક ઉન્નતિનું નવું દ્વાર ખોલશે.
સખી મંડળો અને લોકલ ઉત્પાદકો માટે સુવર્ણ તક
ગુજરાત શહેરી આજીવિકા મિશન (DAY-NULM) હેઠળ હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ સખી મંડળની બહેનો અને નાના કારીગરોને સીધું બજાર પૂરું પાડવાનો છે. મેળામાં કુલ 50 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં:
-
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી: 20 સખી મંડળોના સ્ટોલ.
-
હિંમતનગર નગરપાલિકા: 30 સખી મંડળોના સ્ટોલ.
‘લોકલ ફોર વોકલ’ સાથે આત્મનિર્ભરતાનો સંદેશ
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને વેગ આપતા આ મેળામાં ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ, હસ્તકલાના નમૂનાઓ અને સ્થાનિક ખાદ્ય સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મુલાકાતીઓ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી મેળાની મજા માણી શકશે. આ આયોજનથી મધ્યમ અને નાના વર્ગના વેપારીઓને પ્રોત્સાહન મળવાની સાથે નાગરિકોને શુદ્ધ અને સ્વદેશી ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી રહેશે.
ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, નાગરિક બેંકના ચેરમેન દિલીપ શાહ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે સાબરકાંઠાની જનતા આ મેળાનો લાભ લઈ સ્થાનિક બહેનોના આર્થિક સશક્તિકરણમાં સહભાગી બનશે.
