ભારત-બ્રાઝિલ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ: PM મોદી અને રાષ્ટ્રપતિ લૂલાએ મિત્રતાના નવા અધ્યાયની કરી શરૂઆત
ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને દેશોએ એક મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર માત્ર આર્થિક લેવડ-દેવડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોની એકજૂથતાને પણ દર્શાવે છે.
રાષ્ટ્રપતિ લૂલાનું ભવ્ય સ્વાગત અને વ્યૂહાત્મક ભાગીદારી
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ લૂલાનું વિઝન અને તેમનું પ્રેરણાદાયી નેતૃત્વ ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી મજબૂતી આપી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી વચ્ચે અનેક મુલાકાતો થઈ છે અને દર વખતે ભારત પ્રત્યે રાષ્ટ્રપતિ લૂલાનો અતૂટ વિશ્વાસ અને ઊંડી મિત્રતા સ્પષ્ટપણે જોવા મળી છે. આ મુલાકાતથી બંને દેશોની ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ વધુ ગાઢ બની છે.
20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
આ બેઠકમાં આર્થિક સહયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે લેટિન અમેરિકામાં બ્રાઝિલ ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને નેતાઓએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 અબજ ડોલર (આશરે ₹1.6 લાખ કરોડથી વધુ) થી પણ આગળ લઈ જવાનો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીના મતે, આ વેપાર માત્ર આંકડા નથી પરંતુ બંને દેશો વચ્ચેના પરસ્પર ભરોસાની ઝલક છે. રાષ્ટ્રપતિ લૂલા સાથે આવેલું વિશાળ બિઝનેસ ડેલીગેશન આ વાતની સાક્ષી પૂરે છે.
ટેકનોલોજી અને ‘ગ્લોબલ સાઉથ’ પર ફોકસ
માત્ર વેપાર જ નહીં, પરંતુ ભવિષ્યની ટેકનોલોજીમાં પણ ભારત અને બ્રાઝિલ સાથે મળીને કામ કરશે. AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ભાગીદારી વધારવા પર સહમતિ બની છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે આ સહયોગ માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો) માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે જ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે પણ બંને દેશો એક મંચ પર સાથે ઊભા રહેશે.

