ICC એ જાહેર કર્યા ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ના નોમિનીઝ: 8 ખેલાડીઓની યાદીમાં માત્ર એક જ ભારતીયનું નામ
ICC દ્વારા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ના દાવેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે કુલ 8 ખેલાડીઓને શોર્ટલિસ્ટેડ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમમાંથી માત્ર એક જ ખેલાડી આ યાદીમાં સ્થાન મેળવી શક્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવાર, 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ જંગ ખેલાશે, તે પહેલા આ યાદીમાં સ્થાન મેળવનાર ખેલાડીઓના પ્રદર્શન પર નજર કરીએ.
સંજુ સેમસન: રેસમાં એકમાત્ર ભારતીય
ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને પોતાના ટીકાકારોને બેટથી જડબાતોડ જવાબ આપ્યો છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં તેણે 77.33ની શાનદાર સરેરાશથી 232 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97* અને સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 89 રનની તોફાની ઇનિંગ રમીને તે સતત બે વાર ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો છે. આ જ કારણ છે કે તે આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે.
ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનું પ્રભુત્વ
ફાઈનલમાં પહોંચેલી ન્યુઝીલેન્ડની ટીમમાંથી રચિન રવીન્દ્ર (11 વિકેટ અને 128 રન) અને ટિમ સીફર્ટ (274 રન) ને નોમિનેટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ (286 રન) અને ફાસ્ટ બોલર લુંગી એનગિડી (12 વિકેટ) એ પણ આ યાદીમાં જગ્યા બનાવી છે. સાઉથ આફ્રિકાને સેમીફાઈનલ સુધી પહોંચાડવામાં આ બંને ખેલાડીઓનો મોટો હાથ હતો.
આશ્ચર્યજનક નામ: પાકિસ્તાન અને અમેરિકાના ખેલાડીઓ
ભલે પાકિસ્તાનની ટીમ વહેલી બહાર થઈ ગઈ હોય, પરંતુ સાહિબઝાદા ફરહાન આ યાદીમાં સામેલ છે. તેણે 6 ઇનિંગ્સમાં 383 રન બનાવીને ટી-20 વર્લ્ડ કપની એક એડિશનમાં સૌથી વધુ રન અને બે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે જ રીતે, અમેરિકાના શેડલી વેન શલ્કવિક એ માત્ર 4 મેચમાં 13 વિકેટ ઝડપીને સૌને ચોંકાવી દીધા છે, જે હજુ પણ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

