નમો ભારત અને મેટ્રોમાં પાલતુ પ્રાણીઓ પર પ્રતિબંધ છે, પરંતુ ભારતીય રેલવેએ આપી મોટી રાહત; હવે ઓનલાઈન બુક થશે પેટ્સની ટિકિટ
દિલ્હી-એનસીઆરના મુસાફરો અને પ્રાણીપ્રેમીઓ માટે પરિવહન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક તરફ જ્યાં નમો ભારત (રેપિડ રેલ) અને દિલ્હી મેટ્રોમાં પાલતુ પ્રાણીઓના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તો બીજી તરફ ભારતીય રેલવેએ ટેકનોલોજીના માધ્યમથી પાલતુ પ્રાણીઓ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરીને મોટી રાહત આપી છે.
મેટ્રો અને નમો ભારતમાં ‘નો પેટ્સ’ પોલિસી
નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) અને દિલ્હી મેટ્રો (DMRC) ની માર્ગદર્શિકા મુજબ, ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં કૂતરા, બિલાડી, સસલા કે પક્ષીઓ જેવા પાલતુ પ્રાણીઓને લઈ જવાની મંજૂરી નથી. અધિકારીઓનું કહેવું છે કે ભીડભાડના સમયે પ્રાણીઓના અનિયંત્રિત વર્તનથી અફરાતફરી મચી શકે છે અને મુસાફરોની સુરક્ષા તેમજ સ્વચ્છતા પર અસર પડી શકે છે. સુરક્ષાકર્મીઓને ચેકિંગ પોઈન્ટ પર જ આવા મુસાફરોને રોકવા સૂચના આપવામાં આવી છે અને નિયમોના ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
ભારતીય રેલવે: હવે ઓનલાઇન બુક કરો પેટ્સની ટિકિટ
પેટ પેરેન્ટ્સ માટે રાહતના સમાચાર એ છે કે ભારતીય રેલવેએ હવે IRCTCની વેબસાઇટ પર ‘Dogs/Cats Booking’ નો વિકલ્પ લાઈવ કરી દીધો છે. હવે મુસાફરો ટ્રેનનું પ્રથમ ચાર્ટ તૈયાર થયા પછી પોતાના પાલતુ પ્રાણીઓ માટે ઓનલાઇન નૂર (ભાડું) જમા કરી શકે છે. જોકે, રેલવેના જૂના નિયમો હજુ પણ લાગુ રહેશે, જે મુજબ ફર્સ્ટ ક્લાસ એસી (1A) માં પાલતુ પ્રાણીને સાથે લઈ જવા માટે મુસાફરે આખું કૂપ અથવા કેબિન બુક કરાવવું પડશે. જો ફર્સ્ટ ક્લાસની ટિકિટ ન હોય, તો પ્રાણીને સુરક્ષિત પાંજરામાં બ્રેક વેન (લગેજ વેન) દ્વારા મોકલી શકાય છે. આ માટે મુસાફરીના 24-48 કલાક પહેલા રજિસ્ટર્ડ પશુ ચિકિત્સકનું હેલ્થ સર્ટિફિકેટ અને રસીકરણ કાર્ડ હોવું ફરજિયાત છે.
નમો ભારતમાં ઉજવો જન્મદિવસ અને કરો પ્રી-વેડિંગ શૂટ
ભલે નમો ભારતમાં પાલતુ પ્રાણીઓની એન્ટ્રી બંધ હોય, પરંતુ NCRTCએ તેને એક ‘ઇવેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે રજૂ કર્યું છે. નવી પોલિસી હેઠળ, લોકો હવે નમો ભારતના કોચમાં જન્મદિવસની પાર્ટી, પ્રી-વેડિંગ શૂટ અને અન્ય સમારંભોનું આયોજન કરી શકે છે. આ માટે અલગ-અલગ શુલ્ક નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સ્થિર (ઉભી રહેલી) કોચ માટે કલાકના ₹5,000 અને દોડતી ટ્રેનના કોચ માટે ₹8,000 (ટેક્સ અલગથી) ચૂકવવા પડશે. આ સુવિધા માટે ઓછામાં ઓછા 25 દિવસ પહેલા અરજી કરવી આવશ્યક છે.

