ITR ફાઇલ કરતા પહેલા સાવધાન! આ 5 કાગળો નહીં હોય તો આવશે ટેક્સ નોટિસ
ટેક્સની સીઝન ફરી એકવાર દસ્તક દઈ રહી છે. અસેસમેન્ટ યર 2026-27 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેને ઓનલાઇન અને ઓફલાઇન ફાઇલ કરવાની સુવિધાઓ પણ શરૂ થઈ જશે. સામાન્ય રીતે જોવા મળે છે કે ઘણા લોકો છેલ્લી ઘડીએ રિટર્ન ભરવા બેસે છે અને પછી જરૂરી કાગળો માટે આમ-તેમ ફાંફા મારે છે.
અધૂરી તૈયારી સાથે ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં માત્ર ભૂલોની શક્યતા જ વધારે નથી હોતી, પરંતુ તમે ઘણી મહત્વની ટેક્સ કપાત (Exemptions) ક્લેમ કરવાનું પણ ભૂલી શકો છો. આની સીધી અસર તમારા રિફંડ પર પડે છે અને તેમાં અઠવાડિયાઓનો વિલંબ થઈ શકે છે. તેથી સમજદારી એમાં જ છે કે ITR ભરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તમારા તમામ જરૂરી દસ્તાવેજો એકઠા કરી લો.
પાયાના દસ્તાવેજો: જેના વગર કામ નહીં ચાલે
ટેક્સ ફાઇલિંગની શરૂઆત તમારા મૂળભૂત ઓળખ પત્રોથી થાય છે. તમારું પાન કાર્ડ (PAN Card) આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે. રિટર્ન ભરતા પહેલા એ ખાતરી કરી લો કે તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે. આ ઉપરાંત, ઇનકમ ટેક્સ પોર્ટલ પર તમારો લેટેસ્ટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરી લો, જેથી ઈ-વેરિફિકેશન માટે આવતા OTP અને વિભાગની મહત્વની સૂચનાઓ તમને સમયસર મળી રહે.
તમારા બેંક ખાતાની વિગતો પણ તૈયાર રાખો. રિફંડ મેળવવા માટે બેંક ખાતાનું ‘વેલિડેશન’ હોવું અનિવાર્ય છે. જો તમારી પાસે એકથી વધુ બેંક ખાતા હોય, તો તેની વિગતો પણ રજૂ કરવી પડે છે.
નોકરીયાત વર્ગ માટે ‘ફોર્મ 16’ છે સૌથી મહત્વનું
જો તમે નોકરી કરો છો, તો ફોર્મ 16 (Form 16) તમારું સૌથી મોટું હથિયાર છે. આ દસ્તાવેજ તમારા એમ્પ્લોયર (માલિક) દ્વારા જારી કરવામાં આવે છે, જેમાં તમારો કુલ પગાર, કાપવામાં આવેલ ટેક્સ (TDS) અને વિવિધ ભથ્થાંની સંપૂર્ણ વિગતો હોય છે.
જો તમે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, તો તમારે તમારી જૂની અને નવી એમ બંને કંપનીઓ પાસેથી ફોર્મ 16 મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત, તમારી માસિક સેલરી સ્લિપ પણ તમારી પાસે રાખો, કારણ કે તે પીએફ (PF) અને અન્ય કપાતોનો સચોટ આંકડો મેળવવામાં મદદરૂપ થાય છે.
26AS અને AIS સાથે કરો આંકડાઓનું મિલાન
આજના સમયમાં ટેક્સ વિભાગ પાસે તમારા દરેક નાણાકીય વ્યવહારની માહિતી હોય છે. તેથી, રિટર્ન ભરતા પહેલા ફોર્મ 26AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. આ દસ્તાવેજો તમારા નાણાકીય વ્યવહારોનો અરીસો છે. તેમાં તમારા નામે જમા થયેલ TDS, બેંક ખાતામાંથી મળેલું વ્યાજ અને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા વ્યવહારોની પૂરેપૂરી વિગત હોય છે.
ઘણીવાર લોકો સેવિંગ્સ એકાઉન્ટ કે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માંથી મળતા વ્યાજને પોતાની આવકમાં દર્શાવવાનું ભૂલી જાય છે. જો તમારી આવક અને AIS ના આંકડામાં તફાવત હશે, તો ભવિષ્યમાં ટેક્સ નોટિસ આવી શકે છે. તેથી, તમારા બેંક સ્ટેટમેન્ટ સાથે આ દસ્તાવેજોનું મિલાન અવશ્ય કરો.
ટેક્સ બચાવવા માટેના રોકાણના પુરાવા
જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) પસંદ કરી છે, તો ટેક્સ બચાવવા માટે તમારા રોકાણના પ્રમાણપત્રો એકત્રિત કરવા ખૂબ જ જરૂરી છે. નીચે મુજબની રસીદો તૈયાર રાખો:
-
જીવન વીમો (LIC) અને હેલ્થ ઇન્શ્યોરન્સ: તમારા અને તમારા પરિવાર માટે ભરેલા પ્રીમિયમની રસીદો.
-
રોકાણના પુરાવા: PPF, NPS, ELSS (મ્યુચ્યુઅલ ફંડ) અને બાળકોની ટ્યુશન ફીની રસીદો.
-
હોમ લોન: જો તમે હોમ લોન લીધી હોય, તો બેંક પાસેથી ‘લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ’ મેળવી લો. આના દ્વારા તમે મુદ્દલ (Principal) અને વ્યાજ (Interest) બંને પર ટેક્સ છૂટ મેળવી શકો છો.
-
ઘરનું ભાડું (HRA): જો તમે ભાડે રહેતા હોવ અને HRA ક્લેમ કરવા માંગતા હોવ, તો રેન્ટ એગ્રીમેન્ટ અને મકાનમાલિકની સહી વાળી ભાડાની રસીદો તૈયાર રાખો. જો વાર્ષિક ભાડું 1 લાખથી વધુ હોય, તો મકાનમાલિકનો પાન નંબર પણ જરૂરી બનશે.
શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડની આવક
છેલ્લા કેટલાક વર્ષોમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યા વધી છે. જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડ વેચીને નફો કર્યો હોય, તો તમારે કેપિટલ ગેઈન્સ સ્ટેટમેન્ટ (Capital Gains Statement) ની જરૂર પડશે. તમારા બ્રોકરની એપ અથવા વેબસાઇટ પરથી આ સ્ટેટમેન્ટ સરળતાથી મળી રહે છે. આમાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સની અલગ-અલગ વિગતો હોય છે, જે ITR ફાઇલ કરવામાં અનિવાર્ય છે.

