IND vs ZIM 3જી T20: ભારતીય ટીમની નજર 3-0 થી ક્લીન સ્વીપ પર; જાણો મેચ શરૂ થવાનો સમય, સ્થળ અને લાઈવ સ્ટ્રીમિંગની તમામ વિગતો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો આજે, ૨૬ જુલાઈએ હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ભારત પહેલાથી જ ૨-૦થી અજેય લીડ મેળવી ચૂક્યું છે. હવે શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર ૩-૦થી માત આપીને ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમે માત્ર શ્રેણી પર જ કબજો નથી જમાવ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની T20 ટીમ રેન્કિંગમાં ફરી એકવાર નંબર-૧નું સ્થાન પણ કબ્જે કરી લીધું છે. ભારતે પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને ૭ વિકેટે હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં ૯૦ રનથી મોટો વિજય મેળવ્યો હતો.

ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ પ્રસારણ
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાનારી આ મેચ જોવા માટે ભારતીય ચાહકોમાં ભારે ઉત્સાહ છે. મેચના પ્રસારણને લગતી મુખ્ય વિગતો નીચે મુજબ છે:
મેચની તારીખ: ૨૬ જુલાઈ, ૨૦૨૬
સ્થળ: હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ, ઝિમ્બાબ્વે
ટોસનો સમય: ભારતીય સમય મુજબ (IST) સાંજે ૪:૦૦ વાગ્યે
મેચ શરૂ થવાનો સમય: ભારતીય સમય મુજબ (IST) સાંજે ૪:૩૦ વાગ્યે
ટીવી અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું:
ટીવી પ્રસારણ: ભારતમાં ચાહકો ‘યુનાઈટ-૮ સ્પોર્ટ્સ’ ચેનલ પર આ મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકે છે. આ ઉપરાંત DD ફ્રી ડિશનો ઉપયોગ કરતા દર્શકો માટે મેચનું લાઈવ પ્રસારણ DD સ્પોર્ટ્સ પર પણ ઉપલબ્ધ રહેશે.
ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ: ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા માટે ચાહકો ‘ફેનકોડ’ (FanCode) એપ પર લોગ ઈન કરી શકે છે. સ્માર્ટ ટીવી પર પણ ફેનકોડ એપ દ્વારા સરળતાથી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ માણી શકાશે.

યુવા બેટરો પર રહેશે સૌની નજર: અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી માટે મહત્વની મેચ
આ અંતિમ T20 મેચમાં ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્માના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. અભિષેક માટે આ શ્રેણી અત્યાર સુધી ઉતાર-ચઢાવવાળી રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં તે માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બીજી મેચમાં પણ તે માત્ર ૮ રન જ બનાવી શક્યો હતો. તેથી, ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા અને ફોર્મ પાછું મેળવવા માટે આ ત્રીજી મેચ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
બીજી તરફ, યુવા બેટર વૈભવ સૂર્યવંશી પર પણ ચાહકોનું ધ્યાન કેન્દ્રિત રહેશે. વૈભવે શ્રેણીની પ્રથમ મેચમાં ૫૦ રનની ધમાકેદાર ઇનિંગ રમીને શ્રેષ્ઠ શરૂઆત કરી હતી. જોકે, બીજી મેચમાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને ૨૦ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્રીજી મેચમાં વૈભવ ફરી એકવાર મોટી અને આક્રમક ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે.