હવાઈ મુસાફરીમાં ઐતિહાસિક બદલાવ: સરકારે જાહેર કર્યો ‘ડ્રાફ્ટ SAF નીતિ ૨૦૨૬’, જાન્યુઆરી ૨૦૨૭ થી વિમાનના ઇંધણમાં થશે મિશ્રણ
દેશમાં હવાઈ મુસાફરીને વધુ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને ઓછી પ્રદૂષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી પગલું ભરવાની તૈયારી કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તાજેતરમાં ‘ડ્રાફ્ટ SAF નીતિ ૨૦૨૬’ (Draft SAF Policy 2026) જાહેર કરવામાં આવી છે.
આ પ્રસ્તાવિત નીતિ હેઠળ કેન્દ્ર સરકારે તમામ એરલાઇન્સ માટે વિમાનના પરંપરાગત ઈંધણ એટલે કે એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ (ATF) માં સસ્ટેનેબલ એવીએશન ફ્યુઅલ (SAF) નું મિશ્રણ કરવું ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ ડ્રાફ્ટ નીતિનો અમલ કરવામાં આવે તો જાન્યુઆરી ૨૦૨૭ થી ભારતમાંથી ઉપડતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ૧ ટકા SAF નું મિશ્રણ અનિવાર્ય બની જશે, જેને વર્ષ ૨૦૪૦ સુધીમાં તબક્કાવાર વધારીને ૨૦ ટકા સુધી પહોંચાડવાનો અકાશી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
શું છે આ SAF અને તે કેવી રીતે કામ કરે છે?
સસ્ટેનેબલ એવીએશન ફ્યુઅલ (SAF) એ પરંપરાગત અશ્મિભૂત ઉડ્ડયન ઇંધણનો એક શ્રેષ્ઠ અને સ્વચ્છ જૈવિક વિકલ્પ છે. તે મુખ્યત્વે કૃષિ કચરા, વપરાયેલા પાક, જૈવિક કચરા અને અન્ય પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સ્ત્રોતોમાંથી પ્રોસેસ કરીને ઉત્પન્ન કરવામાં આવે છે.
સામાન્ય ATF ની જેમ જ SAF નો ઉપયોગ વિમાનના એન્જિનમાં કરતાં પહેલાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને સુરક્ષાના કડક ધોરણોમાંથી પસાર થવું પડે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ મુસાફરી દરમિયાન વિમાનોમાંથી નીકળતા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન (Greenhouse Gas Emissions) અને કાર્બન ફૂટપ્રિન્ટમાં મોટો ઘટાડો લાવવાનો છે.
વર્ષ વાઇઝ SAF મિશ્રણનો રોડમેપ અને કડક દંડની જોગવાઈ
મંત્રાલયના ડ્રાફ્ટ પ્લાન મુજબ, જાન્યુઆરી ૨૦૨૭ થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ૧ ટકા SAF મિશ્રણનો પ્રારંભ થશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૮ માં તેને વધારીને ૨ ટકા અને ૨૦૩૦ સુધીમાં ૫ ટકા કરવાનો નિર્ધાર છે. લાંબા ગાળાના આયોજન તરીકે વર્ષ ૨૦૪૦ સુધીમાં વિમાનના ઇંધણમાં SAF નો હિસ્સો ૨૦ ટકા સુધી પહોંચાડવામાં આવશે.
વિશેષ નોંધનીય છે કે આ ડ્રાફ્ટ નીતિ માત્ર લક્ષ્યાંકો જ નક્કી કરતી નથી પરંતુ કાયદાકીય કડકાઈ પણ લાવે છે. પ્રસ્તાવ મુજબ, જો કોઈ પણ એરલાઇન કંપની કે ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) નિર્ધારિત SAF મિશ્રણની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે નાણાકીય દંડ અને અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ભારતીય એરપોર્ટ પરથી ૯૦ ટકા ATF ખરીદવાની શરત અને એરપોર્ટ્સની જવાબદારી
આ ડ્રાફ્ટ નીતિમાં અન્ય એક મહત્વપૂર્ણ શરત પણ ઉમેરવામાં આવી છે. દેશી અને વિદેશી તમામ એરલાઇન્સે તેમની વાર્ષિક ATF જરૂરિયાતના ઓછામાં ઓછા ૯૦ ટકા ઈંધણ ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જ મેળવવું પડશે. આ નિયમનો હેતુ દેશની આર્થિક આવક બહાર જતી અટકાવવાનો છે.
આ ઉપરાંત, નીતિમાં દેશના એરપોર્ટ ઓપરેટરોને SAF ના સુરક્ષિત સંગ્રહ, ગુણવત્તા જાળવણી અને વિતરણની વિશેષ જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ છે. આ માટે એરપોર્ટ તંત્રે સ્થાનિક ઓઇલ કંપનીઓ સાથે મળીને ઈંધણ પુરવઠા અને મિશ્રણનું યોગ્ય માળખું ઊભું કરવું પડશે.

શું વિમાન ટિકિટોના ભાવો મોંઘા થશે?
હવાઈ મુસાફરો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું આ નિર્ણયથી વિમાન ટિકિટોના દર વધી જશે? નિષ્ણાતોના મતે, SAF નો ઉપયોગ એરલાઇન્સના ઈંધણ ખર્ચમાં વધારો કરી શકે છે કારણ કે હાલના તબક્કે SAF નું ઉત્પાદન પરંપરાગત ATF ની સરખામણીએ થોડું મોંઘું છે.
જો SAF ના ભાવ ઊંચા રહેશે, તો એરલાઇન્સનો ઓપરેટિંગ ખર્ચ વધશે જે અંતતઃ પેસેન્જર ભાડા પર અસર કરી શકે છે. જોકે, વર્તમાન પ્રારંભિક તબક્કે સરકાર દ્વારા ભારતમાં જ મોટો સ્ટોક તૈયાર કરવાની યોજના હોવાથી તાત્કાલિક ધોરણે ફ્લાઇટ ટિકિટો મોંઘી થવાની શક્યતા નહિવત છે.
