વડાપ્રધાન નરેન્દ્ર મોદના નેતૃત્વમાં સતત બીજી વખત સરકાર બન્યા બાદ આજથી સંસદનું પ્રથમ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્રમાં બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે બજેટ સત્રમાં સરકાર મહત્વપૂર્ણ બિલ પસાર કરશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાના આ સત્ર અગાઉ એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદલીય પક્ષની બેઠક બોલાવી ત્રણ તલાક સહિત મહત્વના બિલ પર વિપક્ષના સહયોગની અપીલ કરી હતી.
આ બજેટ સત્રમાં પહેલા બે દિવસ નવ નિયુક્ત સાંસદોને પ્રોટેમ સ્પીકર ડો. વીરેન્દ્ર કુમાર શપથ અપાવશે. બુધવારના રોજ લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ગુરૂવારના રોજ બંને સંદનની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. જ્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારમન 5 જૂલાઇના રોજ કેન્દ્રનું બજેટ (Budget) રજૂ કરશે.
જ્યારે બીજી તરફ સંસદના બજેટ સત્રમાં વિપક્ષ કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવી શકે છે. બેરોજગારી, મીડિયાની સ્વતંત્રતા જેવા મુદ્દા વિપક્ષ ઉઠાવી શકે છે. ખેડૂતોના મુદ્દાઓ, કૃષિ કટોકટી મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. જો કે આ વચ્ચે 28 વર્ષ બાદ પૂર્વ PM મનમોહન સિંહ સંસદમાં જોવા નહી મળે. જ્યારે બીજી તરફ સંસદમાં વિપક્ષ નેતાની નિમણૂંકને લઇને સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસે હજુ સુધી વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું નથી. ત્યારે તેને લઈને પણ સસ્પેન્સ છે.
40 દિવસ ચાલશે સંસદનું સત્ર
17મી લોકસભાના પ્રથમ બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. જે આગામી 26 જુલાઇ સુધી ચાલશે. રાજ્ય સભાનું સત્ર 20 જૂને શરૂ થશે અને 26 જૂલાઇ સુધી ચાલશે. જેમાં 5 જુલાઇએ નાણામંત્રી નિર્મલા સિતારમન બજેટ રજૂ કરશે. સંસદનું આ સત્ર 40 દિવસ ચાલશે જેમાં 30 બેઠક થશે.
આ બીલ પર રહેશે નજર
બજેટ સત્ર દરમિયાન સરકાર મહત્વના બીલ પસાર કરશે. જેમાં ત્રિપલ તલાક બીલ, મહિલા અનામત બીલ પસાર થઈ શકે છે. જો સંસદના આ બજેટ સત્રમાં એક દેશ, એક ચૂંટણી બીલ પર પણ સંસદમાં ચર્ચા થઇ શકે છે. મોટર વ્હીકલ સુધારા બીલ, નાગરિકતા સુધારા બીલ પણ સરકાર દ્વારા પસાર કરવામાં આવી શકે છે.
વિપક્ષ પાસે માંગ્યો સહયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્રના પ્રારંભ અગાઉ એક દિવસ અગાઉ સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં સરકારે વિપક્ષ પાસે સરળ રીતે સંસદમાં સહયોગની અપીલ કરી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ 14 જૂનના રોજ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી સાથે તેમના નિવાસ સ્થાને જઇ મુલાકાત કરી હતી.