ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વિતેલા 48 કલાકથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં ડેમમાં પાણીનો સતત મોટો પ્રવાહ ધસમસતો આવી રહ્યો છે. ડેમના બ્લાઈન્ડ કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને (Rain) કારણે ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા આજે પણ 1.74 લાખ ક્યુસેક પાણીની આવકની સામે 1.31 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમનો કેચમેન્ટ વિસ્તાર અતિ વિશાળ હોવાની સાથે બ્લાઈન્ડ કેચમેન્ટ વિસ્તાર (Catchment Area) પણ ઘણો મોટો છે. સિંચાઈ વર્તુળ અને ઉકાઈ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલથી વરસાદ (Rain) શાંત પડ્યો છે. 21 રેઈન ગેજ સ્ટેશનોએ મળીને માત્ર 165 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સાગબારામાં 93 મીમી નોંધાયો છે. આ સિવાયના તમામ સ્ટેશને એક થી 11 મીમી વરસાદ છે.
હવે જો ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં ડેમમાં પાણીનો આટલો મોટો જથ્થો આવતો હોય તો સ્વાભાવિક રીતે ડેમના બ્લાઈન્ડ કેચમેન્ટમાં વરસાદ નોંધાયો છે. પરંતુ બ્લાઈન્ડ કેચમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદની માહિતી મેળવવી આજે પણ તંત્ર માટે અશક્ય છે. આ પાણીની આવક ડેમમાં સડસડાટ પહોંચે છે ત્યારપછી જ તેનો ખ્યાલ આવે છે. આજે ડેમમાં 1.74 લાખ ક્યુસેક આવક અને 1.31 લાખ ક્યુસેક જાવક હતી. ડેમની સપાટી 333.39 ફુટ નોંધાઈ હતી. જ્યારે હથનુર ડેમમાંથી 61 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમમાં સતત 10 કલાક સુધી 2 લાખ ક્યુસેકથી વધારે આવક થઈ. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પાણી છોડવાનું શરૂ કરાયું હતું. જેને કારણે ડેમમાં પાણીની મોટો જથ્થો આવવાની સાથે ગઈકાલથી બે લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવાનું ચાલું કરાયું હતું. જેમાં સતત 10 કલાક સુધી ડેમમાંથી બે લાખ ક્યુસેક કરતા વધારે પાણી છોડાયું હતું.
ડેમમાં અત્યાર સુધી 2800 એમસીએમ આવક અને 2500 એમસીએમ જાવક
ઉકાઈ ડેમમાં આ વખતે શરૂઆતથી જ પાણીનો સારો જથ્થો સંગ્રહિત હતો. ઉપરવાસમાં વરસાદની શરૂઆત થઈ ત્યારે ડેમમાં જુલાઈ મહિનાથી ધીમી ગતિએ પાણીની આવક શરૂ થઈ હતી. ઉકાઈ ડેમમાં અત્યાર સુધી કુલ 2800 એમસીએમ પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી અત્યાર સુધી 2500 એમસીએમ પાણી છોડાયું છે. જો ડેમમાંથી પાણી છોડવામાં ન આવત તો ડેમ અત્યારસુધી 345 ફુટની નજીક પહોંચી ગયો હોત. વિતેલા એક અઠવાડિયામાં ડેમની સપાટી 334.25 ફુટની નીચે લઈ જઈ 333.36 ફુટે પહોંચાડવામાં આવી છે. 150 એમસીએમ પાણીની આવક થાય એટલે ડેમની સપાટીમાં એક ફુટનો વધારો થાય છે.