જો મ્યુચ્યુઅલ ફંડ કંપની (AMC) બંધ થઈ જાય તો તમારા પૈસાનું શું થશે? જાણો સેબીના કડક નિયમો
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા મોટાભાગના રોકાણકારોના મનમાં એક સામાન્ય ડર રહે છે કે જો જે ફંડ હાઉસ અથવા એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) માં તેમણે પોતાના મહેનતના પૈસા રોક્યા છે તે કંપની જો અચાનક બંધ થઈ જાય કે દેવાળું ફૂંકે, તો તેમના રોકાણનું શું થશે? શું તેમના પૈસા હંમેશા માટે ડૂબી જશે? દેશના શેરબજાર નિયામક સેબી (SEBI) ના કડક નિયમો અને માળખાને કારણે તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
આજના સમયમાં એસઆઈપી (SIP) અને લમ્પસમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ નવોદિત અને અનુભવી બંને પ્રકારના રોકાણકારોના મનમાં અવારનવાર એક સવાલ કે ચિંતા ચોક્કસ ઊભી થાય છે કે, જો જે એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) માં તેમણે પોતાની મહેનતની કમાણી રોકી છે તે કંપની જ બંધ થઈ જાય કે નાદાર જાહેર થઈ જાય તો તેમના પૈસાનું શું થશે? શું AMC ડૂબવાની સાથે રોકાણકારોની જિંદગીભરની મૂડી પણ ડૂબી જશે?
તમામ રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે આનો સીધો અને સરળ જવાબ ‘ના’ છે. AMC બંધ થવાનો અર્થ એ બિલકુલ નથી કે તમારા પૈસા ડૂબી જશે.

AMC અને તમારા પૈસા વચ્ચેનો તફાવત સમજો
આખી પ્રક્રિયાને સમજવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપની (AMC) અને તમારા દ્વારા રોકવામાં આવેલા પૈસા એ બંને સંપૂર્ણપણે અલગ-અલગ બાબતો છે. ભારતીય જામીનગીરી અને વિનિમય મંડળ એટલે કે સેબી (SEBI) ના અત્યંત કડક નિયમો અનુસાર, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની રોકાણકારોના નાણાં પોતાની પાસે રાખી શકતી નથી.
AMC નું કામ માત્ર એક પ્રોફેશનલ મેનેજર જેવું છે. તે તમારા પૈસા એકત્ર કરીને તેને વિવિધ શેરો, બજારના બોન્ડ્સ કે ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકે છે. તમારા દ્વારા ખરીદવામાં આવેલા ફંડ યુનિટ્સના નાણાં ‘ટ્રસ્ટ’ ના નામે સંગ્રહિત થાય છે અને તે કસ્ટોડિયન પાસે સુરક્ષિત રહે છે. તેથી, જો AMC દેવાળિયું પણ થઈ જાય, તો પણ રોકાણકારોની સંપત્તિ (Assets) સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે, કારણ કે તે સંપત્તિ પર AMC નો પોતાનો કોઈ માલિકી હક્ક હોતો નથી.
જો AMC બંધ થાય ત્યારે શું પ્રક્રિયા અપનાવવામાં આવે છે?
જ્યારે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની નાણાકીય સંકટ કે વ્યવસાયિક કારણોસર પોતાની કામગીરી બંધ કરવા માંગે છે અથવા સેબી દ્વારા તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે, ત્યારે સેબીની સીધી દેખરેખ હેઠળ એક ચોક્કસ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આમાં મુખ્યત્વે બે શક્યતાઓ રહેલી હોય છે:
પ્રથમ રસ્તો એ છે કે, અવારનવાર કોઈ અન્ય મોટી અને નાણાકીય રીતે મજબૂત AMC તે બંધ થઈ રહેલી ફંડ હાઉસ કંપનીને અથવા તેની સ્કીમોને ખરીદી લે છે. આવી સ્થિતિમાં, તમારી હાલની સ્કીમ કાં તો નવી કંપની હેઠળ એ જ રીતે ચાલુ રહે છે અથવા તો નવી કંપનીની સમાન સ્કીમ સાથે મર્જ (ભેગી) કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં રોકાણકારોને કોઈ નુકસાન થતું નથી, કારણ કે તેમનું રોકાણ નવા અને મજબૂત મેનેજમેન્ટ હેઠળ સુરક્ષિત રીતે આગળ વધે છે.
બીજો રસ્તો એ છે કે જો સ્કીમ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જો કોઈ સ્કીમ લિક્વિડેટ (સંપૂર્ણ બંધ) કરવામાં આવે, તો સેબીના નિયમ મુજબ રોકાણકારોને તેમના યુનિટ્સના બદલામાં તે દિવસની નેટ એસેટ વેલ્યુ (NAV) ના હિસાબથી પૂરેપૂરા પૈસા તેમના બેંક ખાતામાં પાછા આપી દેવામાં આવે છે.

રોકાણકારો પાસે કયા વિકલ્પો હોય છે?
જ્યારે કોઈ AMC માં મર્જર કે સ્કીમ બંધ થવાની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે સેબીના નિયમો અનુસાર રોકાણકારોને નિર્ણય લેવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. રોકાણકારો પાસે સામાન્ય રીતે બે મુખ્ય વિકલ્પો ઉપલબ્ધ હોય છે:
જો રોકાણકાર નવી કંપની સાથે જોડાઈ રહેવા માંગતા ન હોય, તો તેમને કોઈપણ ‘એક્ઝિટ લોડ’ (Exit Load) અથવા વધારાના ચાર્જ વગર પોતાના પૈસા ઉપાડી લેવાની (Redeem કરવાની) સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. અને જો રોકાણકાર સ્કીમમાં રોકાણ ચાલુ રાખવા માંગતા હોય, તો નવી કંપની સાથે તેમનું રોકાણ આપોઆપ ટ્રાન્સફર થઈ જાય છે.
આમ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ફંડ હાઉસ ડૂબી જવાનો ડર રાખવાની કોઈ જરૂર નથી. સેબીનું ત્રિ-સ્તરીય માળખું (સ્પોન્સર, ટ્રસ્ટી અને AMC) રોકાણકારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરે છે.