IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ મેચમાં કેવી હશે RCBની પ્લેઈંગ ઈલેવન? હેઝલવુડની ગેરહાજરીમાં કોને મળશે તક?
IPL 2026 નો શંખનાદ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. સિઝનની પ્રથમ મેચમાં જ ક્રિકેટ ચાહકોને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળશે, કારણ કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને ટકરાશે. જોકે, મેચ પહેલા RCB માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની ગેરહાજરીમાં ટીમની બોલિંગ લાઇન-અપ કેવી હશે.
મજબૂત બેટિંગ ઓર્ડર: કોહલી અને સોલ્ટની જોડી મચાવશે ધૂમ
RCB ની બેટિંગ આ વખતે ખૂબ જ સંતુલિત અને આક્રમક દેખાઈ રહી છે. ઈનિંગની શરૂઆત વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની જોડી કરશે. આ બંને ઓપનરોએ અગાઉની સિઝનમાં શાનદાર લય બતાવી હતી. ત્રીજા નંબરે સ્થાનિક ક્રિકેટમાં રનનો ડુંગર ખડકનાર દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે, જ્યારે કેપ્ટન રજત પાટીદાર ચોથા નંબર પર ટીમની જવાબદારી સંભાળશે. મધ્યમ ક્રમમાં ટિમ ડેવિડ અને જીતેશ શર્મા જેવા આક્રમક ખેલાડીઓ છે, જે પરિસ્થિતિ મુજબ બેટિંગ ક્રમમાં ફેરફાર પણ કરી શકે છે.
બોલિંગ વિભાગમાં ચિંતા: કોણ લેશે હેઝલવુડનું સ્થાન?
બેટિંગ મજબૂત હોવા છતાં, RCB માટે બોલિંગ હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. જોશ હેઝલવુડ શરૂઆતની મેચો માટે અનુપલબ્ધ છે અને યશ દયાળ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફી હેઝલવુડના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. તેની સાથે અનુભવી ભુવનેશ્વર કુમાર પેસ એટેકની આગેવાની કરશે. યશ દયાળની જગ્યાએ ટીમ રાસિક સલામ અથવા મંગેશ યાદવમાંથી કોઈ એકને તક આપી શકે છે. સ્પિન વિભાગમાં કૃણાલ પંડ્યા અને સુયશ શર્મા રન રોકવાની જવાબદારી નિભાવશે.
ફિનિશરની ભૂમિકા કોણ ભજવશે?
મેચના અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવવાની જવાબદારી કોની હશે, તે પણ એક મોટો સવાલ છે. ટીમ પાસે રોમારિયો શેફર્ડ, જેકબ બેથલ અને ટિમ ડેવિડ જેવા મજબૂત વિકલ્પો છે. જેકબ બેથલે તાજેતરના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે શેફર્ડ બોલ અને બેટ બંનેથી મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે. ટિમ્મ ડેવિડ મુખ્ય ફિનિશર તરીકેની ભૂમિકામાં જોવા મળી શકે છે.
SRH સામે RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
- ઓપનર્સ: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી
- મિડલ ઓર્ડર: દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર)
- ઓલરાઉન્ડર: રોમારિયો શેફર્ડ / જેકબ બેથલ, કૃણાલ પંડ્યા
- બોલર્સ: ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, સુયશ શર્મા, રાસિક સલામ / મંગેશ યાદવ

