IPL 2026: મેચ શરૂ થવાનો સાચો સમય નોંધી લેજો, નહીં તો ફેવરિટ ટીમનો મુકાબલો ચૂકી જશો!
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સીઝનનો આગાઝ થવા જઈ રહ્યો છે. ક્રિકેટના આ મહાકુંભને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, મેચ કેટલા વાગ્યે શરૂ થશે તેની સાચી જાણકારી હોવી ખૂબ જરૂરી છે, જેથી માહિતીના અભાવે તમારી મનપસંદ ટીમનો મુકાબલો જોવાનો રહી ન જાય.
બીસીસીઆઈ (BCCI) દ્વારા હાલમાં પ્રથમ તબક્કાનું જ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં બાકીની મેચોનું ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ આ વર્ષે મેચોનો સમય શું રહેશે.
28 માર્ચથી આઈપીએલ 2026નો પ્રારંભ: પ્રથમ મેચ RCB અને SRH વચ્ચે
આઈપીએલ 2026 ની પ્રથમ મેચ 28 માર્ચના રોજ રમાશે. સીઝનની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાનો છે.
હાલમાં માત્ર 12 એપ્રિલ સુધીનું જ શિડ્યુલ સામે આવ્યું છે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે બે મેચો (ડબલ હેડર) રમાતી હોય છે, પરંતુ આ વખતે શરૂઆતના શનિવાર અને રવિવારે એટલે કે 28 અને 29 માર્ચે માત્ર એક-એક મેચ જ રમાશે.
મેચના સમયમાં કોઈ ફેરફાર નહીં: સાંજે 7:30 અને બપોરે 3:30 વાગ્યે થશે શરૂઆત
જો તમે ટીવી અથવા મોબાઈલ સામે બેસવા માટે મેચના સમયની રાહ જોઈ રહ્યા છો, તો નોંધી લેજો કે સાંજે રમાનારા મુકાબલા સાડા સાત (7:30 PM) વાગ્યે શરૂ થશે. આ મેચો માટે ટોસ સાંજે સાત વાગ્યે કરવામાં આવશે. ઉદ્ઘાટન મેચમાં રંગારંગ કાર્યક્રમોને કારણે કદાચ પાંચ-દસ મિનિટનો વિલંબ થઈ શકે છે, પરંતુ ત્યારબાદની તમામ સાંજની મેચોમાં પહેલો બોલ બરાબર 7:30 વાગ્યે ફેંકવામાં આવશે.
જ્યારે પણ ‘ડબલ હેડર’ એટલે કે દિવસમાં બે મેચ હશે, ત્યારે બપોરનો મુકાબલો સાડા ત્રણ (3:30 PM) વાગ્યે શરૂ થશે. આ મેચો માટે બપોરે ત્રણ વાગ્યે ટોસ થશે.
4 એપ્રિલે રમાશે સીઝનનો પહેલો ‘ડબલ હેડર’
સીઝનના પહેલા સાત દિવસ એટલે કે 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દરરોજ માત્ર એક જ મેચ રમાશે, જે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ વર્ષનો પહેલો ડબલ હેડર 4 એપ્રિલના રોજ જોવા મળશે.
બપોરે 3:30 વાગ્યે: મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)
સાંજે 7:30 વાગ્યે: ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)
ત્યારબાદ 5 એપ્રિલે પણ બે મેચો રમાશે, જેમાં બપોરે હૈદરાબાદ અને લખનૌ વચ્ચે ટક્કર થશે, જ્યારે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને બેંગ્લોરની ટીમો મેદાનમાં ઉતરશે. 6 એપ્રિલથી ફરીથી રાબેતા મુજબ દિવસની એક જ મેચ રમાશે.

