અમેરિકા ‘મૂર્ખામી’ ન કરે, નેતન્યાહુની જાળમાં ન ફસાય: ઈરાનના વિદેશ મંત્રી અરાગચીનું USને અલ્ટીમેટમ
લેબનાનમાં ચાલી રહેલા ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકાએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ચાલમાં ફસાઈને કોઈ પણ પ્રકારની ‘મૂર્ખામી’ ન કરવી જોઈએ.
શાંતિ મંત્રણા પહેલા તણાવ વધ્યો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભલે યુદ્ધવિરામ (સીઝફાયર) અંગે વાતચીત ચાલી રહી હોય, પરંતુ લેબનાન પર ઈઝરાયેલના ભીષણ હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. પાકિસ્તાનમાં આજે (10 એપ્રિલ) ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપવા માટે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠક પહેલા ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ કહ્યું કે, 40 દિવસની ભયાનક લડાઈ બાદ એક મહત્વપૂર્ણ સીઝફાયર શક્ય બન્યું છે. આવા સમયે અમેરિકાએ નેતન્યાહુને આ રાજદ્વારી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાની છૂટ આપવી જોઈએ નહીં.
‘અમે જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની વાત રજૂ કરતા અરાગચીએ લખ્યું કે, “આગામી રવિવારથી નેતન્યાહુ સામેનો ‘ક્રિમિનલ ટ્રાયલ’ ફરી શરૂ થઈ રહ્યો છે. લેબનાન સહિત સમગ્ર પ્રદેશમાં યુદ્ધવિરામ થવાથી તેમને જેલ મોકલવાની પ્રક્રિયા તેજ બનશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જો અમેરિકા નેતન્યાહુના દબાણમાં આવીને ડિપ્લોમેસીનો અંત લાવશે, તો તે તેની પોતાની મરજી હશે. ઈરાન માને છે કે આ એક મૂર્ખામીભર્યું પગલું હશે, પરંતુ અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.
સીઝફાયર છતાં લેબનાનમાં રક્તપાત
અરાગચીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલ સતત લેબનાન પર બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાને દાવો કર્યો છે કે લેબનાનમાં કોઈ સત્તાવાર યુદ્ધવિરામ નથી અને તેમની સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખશે. ઈરાન અને મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાને આ મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો છે.
ગુરુવારે ઈઝરાયેલના એક મોટા હુમલામાં 300થી વધુ લોકોના મોત થયા હતા અને 1,100થી વધુ લોકો ઘાયલ થયા હતા. વધુમાં, ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેમણે બેરૂતમાં હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના અંગત સચિવ અને ભત્રીજા અલી યુસુફ હર્ષીને ઠાર કર્યો છે.
વૈશ્વિક નેતાઓ સાથે અરાગચીની ચર્ચા
ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, અરાગચીએ રશિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરીને સીઝફાયરની સ્થિતિ પર ચર્ચા કરી છે. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ અપાવ્યો કે ઈરાન જવાબદાર વલણ અપનાવી રહ્યું છે. જો અમેરિકા પોતાના વચનો પૂરા કરે, તો ઈરાન સીઝફાયરના ભાગરૂપે બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી સુરક્ષિત અવરજવરનો રસ્તો આપશે.
અંતમાં, ફ્રાન્સ અને સ્પેનના વિદેશ મંત્રીઓ સાથેની વાતચીતમાં અરાગચીએ ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા સીઝફાયરના ઉલ્લંઘન સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્પેને પણ ઈરાન પર થયેલા હુમલાઓને “ગેરકાયદેસર” ગણાવ્યા છે.

