પશ્ચિમ એશિયામાં યુદ્ધનું રૌદ્ર સ્વરૂપ: ઈરાની ‘સ્યુસાઇડ બોટ’ના હુમલામાં ભારતીય નાવિકનું મોત
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. તાજેતરમાં ઈરાકી દરિયાઈ વિસ્તારમાં એક અમેરિકન ઓઈલ ટેન્કર પર ઈરાન દ્વારા “સ્યુસાઇડ બોટ” વડે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કમનસીબે એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં ભારતીયો પર પણ હવે જીવનું જોખમ વધી રહ્યું છે, જે ભારત સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઓઈલ ટેન્કર ‘સેફસી વિષ્ણુ’ પર આત્મઘાતી હુમલો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમેરિકાની માલિકીનું અને માર્શલ આઈલેન્ડનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર ‘સેફસી વિષ્ણુ’ (Safesea Vishnu) ઈરાકના ખૌર અલ ઝુબેર બંદર પાસે હતું, ત્યારે ઈરાની સ્યુસાઇડ બોટે તેને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે, જ્યારે જહાજ પર સવાર અન્ય 27 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ઈરાકના બસરા શહેરમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ શિપિંગ કંપની અને નાવિકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભારત સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ
સેફસી વિષ્ણુ કંપની સાથે જોડાયેલા સૂત્રોએ આ હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવે અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે દરિયાઈ માર્ગો પર કામ કરતા ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. નોંધનીય છે કે, વિશ્વભરમાં કાર્યરત નાવિકોમાં 15% થી વધુ ભારતીયો છે, જેના કારણે કોઈપણ સમુદ્રી હુમલામાં ભારતીયો ‘કોલેટરલ ડેમેજ’ (પરોક્ષ નુકસાન) નો ભોગ બનવાની શક્યતા સૌથી વધુ રહે છે.
યુદ્ધમાં ભારતીયોને થઈ રહેલું મોટું નુકસાન
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયાના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક ભારતીયોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે. ગઈકાલે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પુષ્ટિ કરી હતી કે મર્ચન્ટ નેવીના જહાજો પર થયેલા હુમલામાં 3 ભારતીયો કાં તો માર્યા ગયા છે અથવા ગુમ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના આ સીધા સંઘર્ષમાં હવે સપ્લાય ચેઈન અને મર્ચન્ટ જહાજો પણ સુરક્ષિત રહ્યા નથી.
🚨 NEW
US-owned SAFESEA VISHNU oil tanker has been hit near Iraq by an underwater drone
This the first US-owned oil tanker taken out in this war pic.twitter.com/Hzdbs6czk2
— Iran Observer (@IranObserver0) March 11, 2026
સેફસી વિષ્ણુ જહાજની વિગતો
વેબસાઈટ ‘વેસલ ફાઈન્ડર’ મુજબ, ‘સેફસી વિષ્ણુ’ એક વિશાળ ક્રૂડ ઓઈલ ટેન્કર છે જેની લંબાઈ 228.6 મીટર અને પહોળાઈ 32.57 મીટર છે. વર્ષ 2007માં બનેલું આ જહાજ 42,010 ગ્રોસ ટનેજ ધરાવે છે. ઈરાન દ્વારા પ્રથમ વખત કોઈ અમેરિકન ઓઈલ ટેન્કરને આ રીતે નિશાન બનાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આવનારા દિવસોમાં ખાડી દેશોમાં દરિયાઈ યુદ્ધ વધુ આક્રમક બની શકે છે.
