IRCTC ભારતીય રેલવેની ઓનલાઇન ટિકિટિંગ એપ અને વેબસાઇટ IRCTC એ ટિકિટોના કાળાબજાર રોકવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ભર્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી દલાલોની મનમાની અને નકલી સોફ્ટવેર (Bots) દ્વારા થતી ટિકિટ બુકિંગ પર રોક લગાવવા માટે રેલવેએ ૩.૦૩ કરોડ નકલી યુઝર આઈડી કાયમી ધોરણે બ્લોક કરી દીધી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તહેવારો કે વેકેશનના સમયે જ્યારે ટિકિટોની ભારે ખેંચ હોય, ત્યારે સામાન્ય અને જરૂરિયાતમંદ મુસાફરોને છેતરાયા વગર સરળતાથી ટિકિટ મળી રહે.
હવેથી ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, હવે માત્ર તે જ યુઝર્સ ટિકિટ બુક કરી શકશે જેમના આઈડી આધાર કાર્ડ સાથે વેરીફાઇડ હશે. ખાસ કરીને તત્કાલ (Tatkal) ટિકિટ અને ટિકિટ બુકિંગના શરૂઆતના કલાકોમાં આધાર-વેરીફાઇડ યુઝર્સને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, IRCTC એ પોતાની વેબસાઇટ પર અત્યાધુનિક ‘એન્ટી-બોટ’ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે, જે ગેરકાયદેસર સોફ્ટવેર દ્વારા થતી સેકન્ડોની બુકિંગને આપમેળે ઓળખીને અટકાવી દેશે.
આ ફેરફારથી સામાન્ય મુસાફરોને મોટો ફાયદો થશે. અત્યાર સુધી એવું બનતું હતું કે સામાન્ય માણસ વિગતો ભરે ત્યાં સુધીમાં દલાલો નકલી આઈડીની મદદથી મિનિટોમાં બધી ટિકિટો બુક કરી લેતા હતા. પરંતુ હવે નકલી આઈડીનો સફાયો થવાથી અને સિસ્ટમ વધુ ઝડપી બનવાથી, સામાન્ય મુસાફરો માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ પારદર્શક અને ન્યાયી બનશે. જો તમારી પાસે પણ IRCTC આઈડી હોય, તો તેને વહેલી તકે આધાર સાથે લિંક કરી લેવી હિતાવહ છે જેથી ભવિષ્યમાં ટિકિટ બુક કરવામાં કોઈ તકલીફ ન પડે.
