શું ઈરાન અમેરિકાની ફ્યુઅલ સિસ્ટમ હેક કરી રહ્યું છે? સાયબર એટેકથી ગેસ સ્ટેશનો પર મોટું સંકટ!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

શું ઈરાન અમેરિકાની ઈંધણ પ્રણાલી પર સાયબર હુમલા કરી રહ્યું છે?

મધ્ય પૂર્વના યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાની આંતરિક સુરક્ષાને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. અહેવાલમાં અમેરિકી અધિકારીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાની હેકર્સ દ્વારા અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં આવેલા ગેસ સ્ટેશનો (પેટ્રોલ પંપો) પર ઈંધણની સંગ્રહ ક્ષમતા પર નજર રાખતી સિસ્ટમમાં મોટી સાયબર સેંધ લગાડવામાં આવી છે.

અહેવાલો અનુસાર, હેકર્સે ખાસ કરીને ‘ઓટોમેટિક ટેન્ક ગેજ’ (ATG) સિસ્ટમને નિશાન બનાવી છે, જે કોઈપણ પાસવર્ડ પ્રોટેક્શન વગર સીધી ઈન્ટરનેટ સાથે જોડાયેલી હતી. આ હુમલા દ્વારા હેકર્સ મોનિટરની સ્ક્રીન પર દેખાતા આંકડાઓમાં ફેરફાર કરવામાં સફળ રહ્યા હતા, જો કે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટાંકીની અંદર રહેલા અસલી ઈંધણના સ્તરને બદલી શક્યા નથી.

- Advertisement -

iran3.jpg

સાયબર હુમલો છુપાવી શકે છે મોટો ગેસ લીકેજ

સુરક્ષા નિષ્ણાતો અને અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ હેકર આ ટ્રેકિંગ સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે, તો તે સૈદ્ધાંતિક રીતે વાસ્તવિક ગેસ લીકેજ (ઈંધણની ગળતર) ને સિસ્ટમમાં છુપાવી શકે છે. જો આવું થાય, તો લીકેજની ખબર જ નહીં પડે અને તે એક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

- Advertisement -

સાયબર સુરક્ષા કંપની ‘સ્વિમલેન’ ના મુખ્ય સુરક્ષા ઓટોમેશન આર્કિટેક્ટ નિક ટાઉસેકે જણાવ્યું કે, “ગેસ સ્ટેશનો, ટેન્ક રીડર્સ અને વોટર સિસ્ટમ્સ ભલે હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટ ન લાગતા હોય, પરંતુ તે આક્રમણખોરોને ટેકનિકલ ખામી ઊભી કરીને જનતામાં ભય અને વહીવટી તણાવ પેદા કરવાની તક આપે છે.” તેમણે ઉમેર્યું કે આ હુમલાઓ પાછળ નબળી રીમોટ એક્સેસ સિસ્ટમ જવાબદાર છે.

‘કોર્સિકા ટેક્નોલોજીસ’ ના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર રોસ ફિલિપેકે જણાવ્યું કે, ઈંધણ પ્રણાલીઓ હવે હેકર્સ માટે આકર્ષક ટાર્ગેટ બની છે કારણ કે તે સીધી જનતાના વિશ્વાસ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલી છે. ગભરાટ પેદા કરવા માટે આખા એનર્જી સેક્ટરને ઠપ્પ કરવાની જરૂર નથી, માત્ર ઈંધણ પુરવઠો ધીમો કરવાથી કે રીડિંગમાં ગેરરીતિ કરવાથી પણ મોટું ઓપરેશનલ જોખમ ઊભું થઈ શકે છે.

શંકાની સોય ઈરાન તરફ કેમ?

તપાસકર્તાઓનું માનવું છે કે આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની પ્રબળ આશંકા છે, કારણ કે ઈરાન અગાઉ પણ ગેસ ટેન્ક સિસ્ટમને નિશાન બનાવવાનો ઈતિહાસ ધરાવે છે. જો કે, ડિજિટલ પુરાવાઓના અભાવે અમેરિકી સરકાર કદાચ સત્તાવાર રીતે ક્યારેય આ સાબિત ન પણ કરી શકે.

- Advertisement -

જો આમાં ઈરાનની સંડોવણી સાબિત થશે, તો તે ચાલુ યુદ્ધ દરમિયાન અમેરિકાના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો ઈરાનનો નવો પ્રયાસ ગણાશે. આ પહેલાં પણ ‘હંડાલા’ નામના ઈરાન સમર્થિત હેકર ગ્રુપે ટેલિગ્રામ ચેનલો દ્વારા અમેરિકી સ્ટાફના જીમેલ (Gmail) એકાઉન્ટ્સ હેક કર્યા હોવાના આક્ષેપો થયા હતા. આ સાયબર ઘટનાઓ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે રાજકીય રીતે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે હોર્મુઝ બ્લોકેજને કારણે અમેરિકામાં પહેલાથી જ ગેસના ભાવ આસમાને છે.

petrol.jpg

‘એક્સાબીમ’ ના કેવિન કિર્કવુડે આને ડેટા ચોરીના બદલે વાસ્તવિક ઓપરેશનલ સિસ્ટમને નુકસાન પહોંચાડતો એક ખતરનાક ‘કાઈનેટિક સાયબર એટેક’ ગણાવ્યો છે.

ઈરાનની વધતી સાયબર ક્ષમતાઓ

૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ ઈરાન સાથે જોડાયેલા હેકર્સે અમેરિકામાં અનેક વિક્ષેપો ઊભા કર્યા છે. ઈઝરાયેલના નેશનલ સાયબર ડિરેક્ટોરેટના વડા યોસી કરાડીએ જણાવ્યું કે, યુદ્ધ દરમિયાન ઈરાનની સાયબર પ્રવૃત્તિઓમાં તેની ગતિ, સ્કેલ અને મનોવૈજ્ઞાનિક અભિયાનો (Psychological Campaigns) નું મોટું સંકલન જોવા મળ્યું છે.

પીડબલ્યુસી (PwC) ની થ્રેટ ઇન્ટેલિજન્સ ટીમના ડાયરેક્ટર એલિસન વિકોફે જણાવ્યું કે, ઈરાનની સાયબર યુક્તિઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ સાથે વધુ ઝડપી અને સ્માર્ટ બની રહી છે. તેઓ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મીડિયામાંથી ડેટા ચોરી કરીને લીક કરવા માટે હાનિકારક સોફ્ટવેર (Malware) નો ઉપયોગ કરી રહ્યા છે. ‘એક્સાબીમ’ ના ગેબ્રિએલ હેમ્પલે ઉમેર્યું કે, આગામી યુદ્ધોનો મોટો હિસ્સો ઓનલાઈન લડાશે, જ્યાં હવે અસ્થિરતા ઊભી કરવા માટે કોઈ વસ્તુને ભૌતિક રીતે બોમ્બથી ‘ઉડાવી દેવાની’ જરૂર નહીં પડે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.