શું બેન્જામિન નેતન્યાહુનું રાજકીય ભવિષ્ય પૂરું? જાણો ઇઝરાયેલ સંસદનું ચોંકાવનારું ગણિત!
ઇઝરાયેલમાં હાલમાં જ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની ગઠબંધન સરકાર માટે રાજકીય મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. મંગળવારે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે નેતન્યાહુના નેતૃત્વ હેઠળનું ગઠબંધન વિપક્ષી દળોના જૂથ કરતાં પાછળ રહી ગયું છે.
જોકે, સૌથી મોટી બાબત એ છે કે કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. આવી પરિસ્થિતિમાં ઇઝરાયેલમાં આગામી સરકાર કોણ બનાવશે અને દેશનું સુકાન કોના હાથમાં જશે તેને લઈને ભારે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

નેસેટ (ઇઝરાયેલ સંસદ)નું ગણિત અને બહુમતીનો આંકડો
ઇઝરાયેલની સંસદ જેને ‘નેસેટ’ (Knesset) કહેવામાં આવે છે, તેમાં કુલ 120 બેઠકો છે. દેશમાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ કે ગઠબંધનને ઓછામાં ઓછા 61 સાંસદો (MPs) નું સમર્થન મેળવવું અનિવાર્ય છે.
પ્રારંભિક એક્ઝિટ પોલના અંદાજો અનુસાર, ઇઝરાયેલી સેનાના ભૂતપૂર્વ વડા ગાદી આઇઝનકોટ (Gadi Eysenkot) ના નેતૃત્વ હેઠળનું વિપક્ષી ગઠબંધન રેસમાં આગળ ચાલી રહ્યું છે, પરંતુ તેઓ હજુ પણ બહુમતીના જાદુઈ આંકડાથી દૂર છે. બીજી તરફ, બેન્જામિન નેતન્યાહુની ‘લિકુડ પાર્ટી’ (Likud Party) સૌથી મોટા સિંગલ પક્ષ તરીકે ઊભરી આવી હોવાના સંકેતો મળી રહ્યા છે, પરંતુ તેમના સાથી પક્ષોનું પ્રદર્શન ધાર્યા મુજબનું રહ્યું નથી.
એક્ઝિટ પોલમાં કયા જૂથને કેટલી બેઠકો મળવાનો અંદાજ?
ઇઝરાયેલ ચેનલોના એક્ઝિટ પોલ્સના આંકડાઓ દેશમાં ત્રિશંકુ સંસદના સ્પષ્ટ સંકેત આપે છે:
વિપક્ષી ગઠબંધન (આઇઝનકોટ જૂથ): 52 થી 53 બેઠકો
સત્તાધારી ગઠબંધન (નેતન્યાહુ જૂથ): 50 થી 51 બેઠકો
અરબ રાજકીય પક્ષો: 17 થી 18 બેઠકો
જો ચેનલ-વાર વિગતો જોઈએ તો, ચેનલ 13ના એક્ઝિટ પોલમાં આઇઝનકોટના ગઠબંધનને 53 બેઠકો અને નેતન્યાહુના જૂથને 50 બેઠકો મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે ચેનલ 12ના અંદાજ મુજબ વિપક્ષને 52 બેઠકો અને નેતન્યાહુ જૂથને 50 બેઠકો મળી શકે છે. જોકે, અલગ-અલગ ન્યુઝ ચેનલોના આંકડામાં સામાન્ય તફાવત જોવા મળી રહ્યો છે અને આખરી સત્તાવાર પરિણામો જાહેર થયા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે.
શું બેન્જામિન નેતન્યાહુની સત્તા સંકટમાં છે?
છેલ્લા આશરે ત્રણ દાયકાથી ઇઝરાયેલના રાજકારણમાં મુખ્ય ધરી રહેલા બેન્જામિન નેતન્યાહુ માટે આ ચૂંટણી પોતાની સત્તા અને રાજકીય અસ્તિત્વ બચાવવાનો મોટો પડકાર બની ગઈ છે.
7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ, નેતન્યાહુ સરકાર સામેના ભ્રષ્ટાચારના જૂના આક્ષેપો અને આંતરિક વિરોધના કારણે તેમની લોકપ્રિયતા પર સીધી અસર પડી છે. જોકે, નેતન્યાહુ આ બધા આક્ષેપોને સતત ફગાવતા રહ્યા છે.

બીજી તરફ, વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશમાં નેતૃત્વ પરિવર્તન અને નવી નીતિઓની જરૂરિયાત પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેમનું ગઠબંધન પ્રોજેક્શનમાં આગળ ચોક્કસ છે, પરંતુ સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે તેમના માટે પણ સરકાર બનાવવી સરળ સાબિત થશે નહીં.
સરકાર રચવામાં અરબ પક્ષોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ?
એક્ઝિટ પોલના અંદાજો મુજબ, અરબ પક્ષોના ખાતામાં 17 થી 18 બેઠકો જઈ શકે છે. આવી પરિસ્થિતિમાં 61ના બહુમતી આંકડા સુધી પહોંચવા માટે આ પક્ષોનું સમર્થન અત્યંત નિર્ણાયક બની રહેશે.
જો બંને મુખ્ય ગઠબંધન (વિપક્ષ અને નેતન્યાહુ જૂથ) બહુમતીથી દૂર રહે છે, તો નાના પક્ષો અને અપક્ષો સાથેની વાટાઘાટો સરકાર નિર્માણની ચાવી બનશે. પરંતુ, વિપક્ષી ગઠબંધનની અંદર જ અરબ પક્ષોનું સમર્થન લેવા અંગે તીવ્ર મતભેદો પ્રવર્તે છે. આથી, આઇઝનકોટનું ગઠબંધન અરબ પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
શું ઇઝરાયેલમાં ફરીથી ચૂંટણીઓ યોજવી પડશે?
ઇઝરાયેલનો તાજેતરનો રાજકીય ઇતિહાસ દર્શાવે છે કે ત્યાં અસ્થિર સરકારો અને વારંવારની ચૂંટણીઓ કોઈ નવી વાત નથી. જો કોઈ પણ ગઠબંધન અન્ય પક્ષોને સાથે રાખીને 61 સાંસદોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહે છે, તો સરકાર રચવાની પ્રક્રિયા લાંબી ખેંચાઈ શકે છે.
રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધન માટે વાટાઘાટોના અનેક તબક્કાઓ ચાલશે. જો તમામ પ્રયાસો છતાં કોઈ સંમતિ સાધી શકાશે નહીં, તો દેશને ફરી એકવાર ફરીથી નવી સામાન્ય ચૂંટણીઓ (Re-elections) તરફ જવાની ફરજ પડી શકે છે.
