૧૩૦ તબીબી શિક્ષકોએ મેળવી સંશોધન કૌશલ્ય તાલીમ, રાજ્યસ્તરે મેડિકલ રિસર્ચ સંસ્કૃતિને મળ્યો વેગ
જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા તબીબી સંશોધન ક્ષેત્રે ગુણવત્તા વધારવાના ઉમદા હેતુથી ‘મેડિકલ રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (MRDP) અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ અને SHSRC ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યશાળાની ચાર બેચમાં કુલ ૧૩૦ તબીબી શિક્ષકોએ ભાગ લઈ સંશોધન કૌશલ્યો વિકસાવ્યા હતા. આ પહેલથી તબીબી શિક્ષણ અને સારવાર પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક અભિગમને વધુ વેગ મળશે.
નિષ્ણાત તબીબો દ્વારા ટેકનિકલ પાસાઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન
પી.એસ.એમ. વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. નરેશ મકવાણાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના નિષ્ણાતોએ રિસોર્સ પર્સન તરીકે સેવા આપી હતી. ગાયનેક વિભાગના હેડ ડો. નલિની આનંદ, ઓપ્થલમોલોજીના ડો. રાધા દાસ અને પી.એસ.એમ. ના ડો. સુમિત ઉનડકટે રિસર્ચ મેથોડોલોજીના જટિલ ટેકનિકલ પાસાઓ, ડેટા એનાલિસિસ અને એથિકલ કન્સીડરેશન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.
આંતર-સંસ્થાકીય સહયોગ અને વિદ્યાર્થીઓનો સમાવેશ
આ શૈક્ષણિક પહેલની વિશેષતા એ રહી કે તેમાં જામનગર ઉપરાંત GMERS મેડિકલ કોલેજ, પોરબંદરના ૯ તબીબી શિક્ષકોએ પણ સહભાગી થઈને આંતર-કોલેજ શૈક્ષણિક સહકારનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભવિષ્યના તબીબોમાં અત્યારથી જ સંશોધન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી MBBS ના ત્રીજા વર્ષના ૯ તેજસ્વી વિદ્યાર્થીઓને પણ આ તાલીમમાં સાંકળવામાં આવ્યા હતા. આ પ્રકારના પ્રોગ્રામ્સ ગુજરાતના મેડિકલ રિસર્ચ કલ્ચરને વૈશ્વિક સ્તરે લઈ જવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
