KKR ના કિસ્સામાંથી પણ SRH કંઈ ન શીખ્યું, કાવ્યા મારનની આ ભૂલ ભારે પડી શકે છે!
આઈપીએલ 2026નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે અને 28 માર્ચના રોજ આરસીબી અને એસઆરએચ વચ્ચે પ્રથમ મુકાબલો રમાવાનો છે. પરંતુ આ મેચ પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદની ફ્રેન્ચાઇઝી મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે ઇંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગ માટે યોજાયેલી હરાજીમાં કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ખરીદીને નવો હંગામો ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો અત્યારે એટલો ગરમાયો છે કે આગામી દિવસોમાં તે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ધ હન્ડ્રેડમાં અબરાર અહેમદની એન્ટ્રી અને વિવાદ
‘ધ હન્ડ્રેડ’ ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી આધારિત લીગ છે, જેમાં સનરાઇઝર્સ ગ્રુપની પણ એક ટીમ છે. કાવ્યા મારને અબરાર અહેમદ માટે આશરે 2.30 કરોડ રૂપિયા (ભારતીય ચલણ મુજબ) ની મોટી બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખરીદી બાદ ભારતીય ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફેન્સનું કહેવું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે, ત્યારે ભારતીય માલિકીની ટીમે પાકિસ્તાની ખેલાડી પર આટલી મોટી રકમ કેમ ખર્ચ કરી?
KKR અને મુસ્તફિઝુર રહેમાનનો કિસ્સો યાદ કરો
એવું લાગે છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના તે પ્રકરણમાંથી કોઈ પાઠ શીખ્યો નથી, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો હતો. આઈપીએલની હરાજીમાં જ્યારે KKR એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યો હતો, ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાને કારણે ભારતમાં KKR નો જોરદાર વિરોધ થયો હતો. લોકોએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને KKR ત્યાંના ખેલાડીઓને કરોડો રૂપિયા આપી રહ્યું છે. અંતે, ભારે દબાણ હેઠળ KKR એ રહેમાનને રિલીઝ કરવો પડ્યો હતો.
ટી20 વર્લ્ડ કપ 2026 પહેલાનો તે હંગામો
મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાના નિર્ણયથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) નારાજ થયું હતું અને ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારત આવવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલો એટલો વધ્યો હતો કે અંતે આઈસીસીએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરી સ્કોટલેન્ડની એન્ટ્રી કરાવી હતી. આ ઘટનાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ નારાજગી વ્યક્ત કરી હતી. એટલે કે, એક ખેલાડીની ખરીદી કે રિલીઝ સમગ્ર ટૂર્નામેન્ટનું ગણિત બગાડી શકે છે.
અબરાર અહેમદનો ભૂતકાળ અને ભાવિ સંકટ
મુસ્તફિઝુર તો બાંગ્લાદેશી હતો, પરંતુ અબરાર અહેમદ તો પાકિસ્તાની ખેલાડી છે. વધુ ગંભીર બાબત એ છે કે જ્યારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, ત્યારે અબરાર અહેમદે સોશિયલ મીડિયા પર ભારત વિરોધી વિવાદિત પોસ્ટ્સ કરી હોવાના આક્ષેપો છે. આવી સ્થિતિમાં ભારતીય ફેન્સ તેને કેવી રીતે સ્વીકારશે?
આ વિવાદ માત્ર ‘ધ હન્ડ્રેડ’ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ આગામી આઈપીએલ સીઝન દરમિયાન પણ સનરાઇઝર્સ હૈદરાબાદને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો વિરોધ વધુ વધશે, તો કાવ્યા મારને પણ KKR ની જેમ આ પાકિસ્તાની ખેલાડીને ટીમમાંથી બહાર કરવાની ફરજ પડી શકે છે.

