IPL 2026: કેમરૂન ગ્રીન વિવાદમાં કેવિન પીટરસનની એન્ટ્રી, KKR મેનેજમેન્ટ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ તેજ
આઈપીએલ 2026ની શરૂઆતની મેચોમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલાએ મેદાનની બહાર એક નવો વિવાદ છેડી દીધો છે. ₹25.2 કરોડની જંગી રકમમાં ખરીદાયેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને રવિવારની મેચમાં બોલિંગ ન કરતા ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. આ મામલે હવે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને પોતાની પ્રતિક્રિયા આપી છે, જેનાથી આ વિવાદે વધુ જોર પકડ્યું છે. રહાણેના ગુસ્સા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સ્પષ્ટતા બાદ હવે પીટરસને ફ્રેન્ચાઈઝીની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ? કેમરૂન ગ્રીન કેમ નથી કરી રહ્યો બોલિંગ?
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં KKR ના બોલરો 221 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સમયે કેમરૂન ગ્રીન જેવા મોંઘા ઓલરાઉન્ડર પાસે બોલિંગ ન કરાવતા સૌને નવાઈ લાગી હતી. મેચ બાદ કેપ્ટન અજિંક્ય રહાણેએ આડકતરી રીતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગ્રીનને T20 વર્લ્ડ કપ દરમિયાન પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી અને KKR ને આ વિશે હરાજી પહેલા જ જાણ કરી દેવામાં આવી હતી. CA મુજબ, ગ્રીન હજુ 10-12 દિવસ સુધી બોલિંગથી દૂર રહેશે અને હાલમાં તે ભારતમાં જ પોતાની રિકવરી પર કામ કરી રહ્યો છે.
કેવિન પીટરસનનો સોશિયલ મીડિયા પર પ્રહાર
દિલ્હી કેપિટલ્સના મેન્ટર રહી ચૂકેલા અને હાલમાં કોમેન્ટ્રી કરી રહેલા કેવિન પીટરસને આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની સ્પષ્ટ રાય આપી છે. પીટરસનનું કહેવું છે કે જો KKR ને ગ્રીનની ઈજા વિશે પહેલેથી જ ખબર હતી અને છતાં તેમણે માત્ર એક બેટ્સમેન તરીકે તેને આટલી મોટી રકમમાં ખરીદ્યો, તો તે તેમનો પોતાનો નિર્ણય છે અને તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ, જો ફ્રેન્ચાઈઝીને છેલ્લી ઘડીએ જાણ થઈ હોય કે તેમનો મુખ્ય ઓલરાઉન્ડર બોલિંગ કરી શકે તેમ નથી, તો તેમની નિરાશા વ્યાજબી છે. પીટરસને સ્પષ્ટ કહ્યું કે, “જો તમે ઓલરાઉન્ડર ખરીદ્યો હોય અને તેને બોલિંગ કરવાની મંજૂરી ન મળે, તો તે બિલકુલ યોગ્ય નથી!”
મોંઘા ખેલાડી પર વધતું દબાણ
આઈપીએલના ઈતિહાસમાં જે પણ ખેલાડી સૌથી મોંઘો સાબિત થાય છે, તેના પર હંમેશા પ્રદર્શનનું વધારાનું દબાણ હોય છે. કેમરૂન ગ્રીન અત્યારે એ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મુંબઈ સામે તેણે બેટિંગમાં પણ માત્ર 18 રન બનાવ્યા હતા, જે તેની કિંમત જોતા ખૂબ ઓછા છે. પીટરસનના મતે, જો ગ્રીન આલોચકોના મોઢા બંધ કરવા માંગતો હોય, તો જ્યાં સુધી તે બોલિંગ શરૂ ન કરે ત્યાં સુધી તેણે બેટિંગમાં આક્રમક પ્રદર્શન કરીને પોતાની ઉપયોગીતા સાબિત કરવી પડશે.
KKR માટે આગામી પડકાર
KKR મેનેજમેન્ટ માટે એ જોવું મહત્વનું રહેશે કે ગ્રીન ક્યારે સંપૂર્ણ ફિટ થઈને બોલિંગ એટેકમાં જોડાય છે. જો આગામી બે-ત્રણ મેચોમાં પણ તે બોલિંગ નહીં કરે, તો ટીમના સંતુલન પર તેની ગંભીર અસર પડી શકે છે. અજિંક્ય રહાણે માટે પણ ગ્રીન વગર બોલિંગ લાઇન-અપ ગોઠવવી એ એક મોટો પડકાર બની રહેશે. આ વિવાદે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ વચ્ચે ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટના મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે.

