કેવિન પીટરસનની એક ટિપ્સ અને આશુતોષ શર્મા બન્યો ફિનિશર! દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડીએ ખોલ્યું સફળતાનું રહસ્ય
આઈપીએલ 2026ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિલ્હી કેપિટલ્સનો વિસ્ફોટક બેટ્સમેન આશુતોષ શર્મા ચર્ચામાં છે. આશુતોષે તાજેતરમાં ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસન સાથેની તેની ખાસ મિત્રતા અને પીટરસને આપેલી સફળતાની ચાવી વિશે ખુલાસો કર્યો છે. જોકે, પીટરસન આ સીઝનમાં દિલ્હીના મેન્ટર તરીકે જોવા નહીં મળે, પરંતુ તેમની સલાહ આશુતોષ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.
પીટરસનનો મંત્ર: સફળતા માટે માત્ર એક જ રસ્તો સખત મહેનત
ગયા વર્ષે જ્યારે કેવિન પીટરસન દિલ્હી કેપિટલ્સના મેન્ટર હતા, ત્યારે આશુતોષ શર્મા સાથે તેમની ગાઢ મિત્રતા થઈ હતી. આશુતોષે જણાવ્યું કે પીટરસને તેને કોઈ લાંબી કે જટિલ સલાહ આપી નહોતી, પરંતુ જીવનમાં સફળ થવા માટે એક સાદો અને નાનો રસ્તો બતાવ્યો હતો.
આશુતોષે કહ્યું, “મને તેમની પાસેથી એક બહુ સારી સલાહ મળી: એક સારો ખેલાડી બનવાનો માત્ર એક જ રસ્તો છે સખત મહેનત.” આ જ મંત્રને ધ્યાનમાં રાખીને આશુતોષ અત્યારે આગામી સીઝન માટે પરસેવો પાડી રહ્યો છે.
આ સીઝન માટે આશુતોષનો નવો સંકલ્પ
IPL 2025માં આશુતોષે દિલ્હી માટે 13 મેચોમાં 204 રન બનાવ્યા હતા, જેમાં લખનૌ સામેની તેની 66 રનની અણનમ ઇનિંગ યાદગાર રહી હતી. જોકે, આશુતોષ માને છે કે ગયા વર્ષે કેટલીક મેચોમાં તે ટીમને જીત સુધી પહોંચાડવામાં પાછળ રહી ગયો હતો.
“મેં મારા માનસિક પાસાઓ પર કામ કર્યું છે. મારી યોજના એ છે કે હું ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ મેચો ફિનિશ કરું. અમે પ્રી-સીઝન કેમ્પ દરમિયાન મેચ સિમ્યુલેશન અને દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયારી કરીએ છીએ, તેથી જ અમે પ્રથમ બોલથી શોટ લગાવી શકીએ છીએ.”
દિલ્હીની ટીમમાં નવા ધુરંધરોની એન્ટ્રી
વર્ષ 2026ની સીઝન માટે દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં કેટલાક મજબૂત ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમાં પાથુમ નિસાંકા, બેન ડકેટ, લુંગી એનગિડી અને આકિબ નબી જેવા નામો સામેલ છે. આશુતોષ આ નવા સાથી ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેનું માનવું છે કે નવા ખેલાડીઓના આગમનથી ટીમ વધુ સંતુલિત અને શક્તિશાળી બની છે.
લક્ષ્ય આ વખતે ખિતાબ પર કબજો
ગયા વર્ષે અક્ષર પટેલની કેપ્ટન્સીમાં દિલ્હીની ટીમ ખૂબ જ ઓછા અંતરથી પ્લેઓફમાં પહોંચતા ચૂકી ગઈ હતી. સતત ચાર જીત બાદ કેટલીક હારને કારણે ટીમનું અભિયાન પાટા પરથી ઉતરી ગયું હતું. આ વખતે આશુતોષ અને આખી ટીમ બદલાની ભાવનાથી નહીં, પરંતુ સારી ક્રિકેટ રમવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. તેણે આશા વ્યક્ત કરી હતી કે, “જો અમે સારી ગુણવત્તાવાળી ક્રિકેટ રમીશું, તો પરિણામ ચોક્કસપણે સારું આવશે. ચાલો આ વર્ષે આપણે ખિતાબ જીતીએ.”

