IPL પહેલા અફઘાન ક્રિકેટરની ભારતને ભાવુક અપીલ! પાકિસ્તાનના હુમલામાં સેંકડો લોકોના જીવ ગયા

3 Min Read

કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 400ના મોત: IPL રમવા જઈ રહેલા અફઘાન ક્રિકેટરે ભારત પાસે માંગી મદદ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક નશા મુક્તિ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા છે અને 250 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL 2026 માં રમનારા યુવા અફઘાન સ્પિનર અલ્લાહ મોહમ્મદ ગઝનફરે ભારત પાસે ભાવુક અપીલ કરી મદદ માંગી છે.

નશા મુક્તિ કેન્દ્ર પર હુમલો: 2000 બેડનું સંકુલ તબાહ

કાબુલના સત્તાધીશોએ માહિતી આપી હતી કે આ હુમલો સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. હુમલામાં 2000 બેડ ધરાવતું વિશાળ નશા મુક્તિ કેન્દ્ર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. ત્યાં ભીષણ આગ લાગી હતી અને બચાવ કાર્યકરો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધી રહ્યા છે. જોકે, પાકિસ્તાને નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે આ ઓપરેશન માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને ખતમ કરવા માટે હતું.

- Advertisement -

afg1.jpg

“ભારત અમારો ખાસ મિત્ર છે, મદદ કરે”  ગઝનફર

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી ગઝનફરે આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે ‘News18’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “જે લોકો પાસે સારવાર માટે પૈસા નથી, તેવા હજારો ગરીબ દર્દીઓ ત્યાં રહેતા હતા. પાકિસ્તાને તેમને શહીદ કર્યા છે, જે અફઘાનિસ્તાનના લોકો ક્યારેય સહન નહીં કરે.”

- Advertisement -

ગઝનફરે વધુમાં ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું:

“ભારત અમારો ખૂબ નજીકનો મિત્ર દેશ છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત આ મુદ્દે અમારી સાથે વાતચીત કરે અને દખલગીરી કરે જેથી આવી ઘટનાઓ ફરી ન બને. અફઘાનિસ્તાનનો ઇતિહાસ આખી દુનિયા જાણે છે, જો ઇતિહાસનું પુનરાવર્તન થશે તો તે પાકિસ્તાન માટે ઘણું ખરાબ સાબિત થશે.”

રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ પણ વ્યક્ત કર્યો આક્રોશ

આ હુમલા બાદ અફઘાનિસ્તાનના અન્ય સ્ટાર ક્રિકેટરોએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. દિગ્ગજ સ્પિનર રાશિદ ખાને કહ્યું કે સામાન્ય નાગરિકોના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને ઘણું દુઃખ થયું છે. તેમણે ઉમેર્યું કે નાગરિકોની સુવિધાઓ અને મેડિકલ સેન્ટરને નિશાન બનાવવું એ ‘યુદ્ધ અપરાધ’ સમાન છે.

afg.jpg

- Advertisement -

ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ પણ X (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, આ હુમલાએ એક મેડિકલ સેન્ટરમાં રહેલી ‘આશાની કિરણ’ બુઝાવી દીધી છે. આ નુકસાન અફઘાનિસ્તાન માટે અત્યંત વિનાશકારી છે. પાકિસ્તાન અને તાલિબાન પ્રશાસન વચ્ચે સીમા સુરક્ષાને લઈને ચાલી રહેલા વિવાદે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ જણાય છે.

TAGGED:
Share This Article